'Kalki 2898 AD' સિક્વલ છોડ્યા બાદ Deepika Padukone એ કરી મોટી જાહેરાત, આ દિગ્ગજ અભિનેતા સાથે કરશે છઠ્ઠી ફિલ્મ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ના સિક્વલનો ભાગ ન હોવાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે, તેણે હાથમાં હાથ પકડીને એક તસવીર શેર કરી છે, જેની સાથે તેણે એક જાહેરાત પણ કરી છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી કે તે પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ના સિક્વલનો ભાગ નહીં હોય. નિર્માતાઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'લાંબી ચર્ચા-વિચારણા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આગળ કોઈ સ્થાયી ભાગીદારી શક્ય નથી. આવી ફિલ્મોને સંપૂર્ણ સમર્પણની જરૂર હોય છે, અને અમે દીપિકાને તેના ભાવિ પ્રોજેક્ટ્સ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.'
કમિટમેન્ટ પર ઉઠેલા સવાલો
આ જાહેરાત બાદ દીપિકા પાદુકોણના કમિટમેન્ટને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. જોકે, અભિનેત્રીએ આ અંગે સીધો કોઈ સ્પષ્ટીકરણ આપ્યું ન હતું, પરંતુ હવે તેણે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે.
શાહરૂખ સાથે શેર કરી તસવીર
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનનો હાથ પકડેલી એક તસવીર શેર કરી અને સાથે લખ્યું કે " તેણે 18 વર્ષ પહેલાં 'ઓમ શાંતિ ઓમ'ના શૂટિંગ દરમિયાન શાહરૂખ પાસેથી એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો હતો. દીપિકાએ લખ્યું- તેમણે મને શીખવ્યું હતું કે ફિલ્મની સફળતા કરતાં વધુ મહત્વનું છે તે સફર અને તે લોકો જેમની સાથે તમે તેને બનાવો છો. આજે પણ હું આ વાતમાં વિશ્વાસ રાખું છું, અને કદાચ આ જ કારણ છે કે અમે હવે અમારી છઠ્ઠી ફિલ્મ સાથે કરી રહ્યા છીએ."

