'હું ઓપન રિલેશનશિપમાં છું, જિંદગીમાં કોઈ એક જ પાર્ટનર નથી' , અભિનેત્રી શહાના ગોસ્વામીનો ચોંકાવનારો ખુલાસો
'રોક ઓન', 'ડિસ્પેચ', 'હનીમૂન ટ્રાવેલ્સ', 'હીરોઈન', 'ઝ્વિગાટો' અને 'સંતોષ' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયની

'રોક ઓન', 'ડિસ્પેચ', 'હનીમૂન ટ્રાવેલ્સ', 'હીરોઈન', 'ઝ્વિગાટો' અને 'સંતોષ' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડનાર અભિનેત્રી શહાના ગોસ્વામી આ દિવસોમાં પોતાના લીકથી હટકે નિવેદનોને કારણે ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ કનનના પોડકાસ્ટમાં સામેલ થયેલી શહાનાએ પ્રેમ અને સંબંધો પ્રત્યેના પોતાના બિન-પરંપરાગત દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, તે હાલમાં એક 'ઓપન રિલેશનશિપ' માં છે અને તેના જીવનમાં કોઈ સિંગલ કે પ્રાઈમરી પાર્ટનર નથી. તેનું માનવું છે કે પરંપરાગત સંબંધો તેના સ્વભાવને અનુકૂળ નથી આવતા.
પરંપરાગત બંધનો છોડી ઓપન રિલેશનશિપનો રસ્તો પસંદ કર્યો
ઇન્ટરવ્યુ દરમિયાન શહાનાએ શેર કર્યું હતું કે, પરંપરાગત અને રૂઢિચુસ્ત સંબંધો તેને ક્યારેય પોતાના માટે યોગ્ય લાગ્યા નથી. કારણ કે તે પ્રેમની સાથે વ્યક્તિગત આઝાદીમાં પણ ખૂબ જ ઊંડો વિશ્વાસ ધરાવે છે. મિલિંદ સોમન સાથેના પોતાના જૂના બ્રેકઅપને યાદ કરતા તેણે સ્વીકાર્યું કે તેના માટે સંબંધોની પરંપરાગત ફોર્મ્યુલા લાંબા સમય સુધી ટકે તેવી નહોતી. જોકે, બાદમાં જ્યારે તેની મુલાકાત રેસ્ટોરન્ટ બિઝનેસમેન મૌરો ગાઝી સાથે થઈ, ત્યારે તેણે સંબંધોને એક અલગ નજરે જોવાનું નક્કી કર્યું. તેણે કોઈ પણ પ્રકારના કડક નિયમો કે લેબલ્સ વિના ઓપન રિલેશનશિપ અપનાવી, જેણે તેને એક નવી માનસિક શાંતિ આપી.
શહાનાએ જણાવ્યું કે, "આનો અર્થ એ છે કે તમે જેના પણ સાથે છો, તેની સાથે સંપૂર્ણપણે ખુલ્લી અને પ્રમાણિક વાતચીત થાય. તમે વાસ્તવમાં એ સમજી શકો કે તમારો પાર્ટનર કેવો વ્યક્તિ છે અને તમે પોતે પણ તમારા પર કામ કરો. આ મોડ પર મારો કોઈ એક પ્રાઈમરી પાર્ટનર નથી. મારા જીવનમાં એવા ઘણા લોકો છે જેમની સાથે મારો લાંબા સમયથી મજબૂત તાલમેલ છે, પરંતુ તે કેઝ્યુઅલ નથી. મારા માટે આમાંથી કંઈ પણ કેઝ્યુઅલ નથી.
શહાનાએ ઓપન રિલેશનશિપની સરખામણી મિત્રતા સાથે કરી હતી. તેણે સમજાવ્યું કે જે રીતે એક વ્યક્તિના ઘણા મિત્રો હોઈ શકે છે અને દરેક મિત્ર સાથે એક અલગ પ્રકારનું જોડાણ હોય છે, બરાબર તે જ રીતે તેના સંબંધો પણ છે. ક્યારેક આ સંબંધ માત્ર મિત્રતા હોય છે તો ક્યારેક તે શારીરિક પણ હોઈ શકે છે. તેને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાની જરૂર નથી. જ્યારે મારી પાસે આપવા માટે આટલો બધો પ્રેમ છે, તો હું તેને માત્ર એક જ વ્યક્તિને શા માટે આપું?"
મલ્ટિપલ પાર્ટનર્સ સાથે કેવું રહે છે સમીકરણ?
અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે તેની જિંદગીમાં કશું જ છુપાયેલું નથી. તેના તમામ પાર્ટનર્સને સારી રીતે ખબર છે કે તે બીજા લોકો સાથે પણ ઇન્ટિમેટ થઈ રહી છે અથવા તેમની સાથે મજબૂત બોન્ડિંગ શેર કરે છે. ઘણીવાર એવા પ્રસંગો પણ આવે છે જ્યારે લોકોને આ વ્યવસ્થા પસંદ નથી આવતી તો તેઓ વચ્ચેથી જ ઓપન રિલેશનશિપ ખતમ કરી દે છે. જ્યારે કોઈ પાર્ટનર સિરિયસ એક્સક્લુઝિવ રિલેશનશિપ ઈચ્છે ત્યારે હું પરસ્પર સહમતિથી અલગ થવાનું નક્કી કરું છું.તે કહે છે કે, તેની પાસે વહેંચવા માટે એટલો પ્રેમ છે કે તેને એક વ્યક્તિ સુધી સીમિત રાખવા નથી ઈચ્છતી, તેને વહેંચવા માગે છે.
એક્ટ્રેસે કહ્યું કે, તે નાનપણથી જ આવા સંબંધો જોતી આવી છે. તેના માતા-પિતાના કેટલાક મિત્રો પણ આ પ્રકારના ડાયનેમિક્સમાં હતા, એટલે 13 વર્ષની ઉંમરથી જ આવા વિચારો આવતા હતા. તે હંમેશાં આઝાદ રહેવા માંગતી હતી અને પોતાના પાર્ટનર્સ પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે છે. આ સંબંધમાં કોઈ નિયમો નથી, બધું ખુલ્લું છે અને તેના ઘણા પાર્ટનર્સ તો એકબીજાને મળી પણ ચૂક્યા છે.
મિલિંદ સોમન સાથેનો જૂનો સંબંધ
શહાના જ્યારે 23 વર્ષની હતી ત્યારે તેને પોતાનાથી ઘણી મોટી ઉંમરના 43 વર્ષીય મિલિંદ સોમન સાથે પ્રેમ થયો હતો. લગભગ છ વર્ષ સુધી બંને વચ્ચે માત્ર ટેક્સ્ટ મેસેજ અને પત્રો દ્વારા વાતચીત થતી રહી. બાદમાં જ્યારે શહાના મુંબઈ શિફ્ટ થઈ અને બંને સિંગલ હતા, ત્યારે તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, વર્ષ 2013માં બંને અલગ થઈ ગયા. શહાનાના જણાવ્યા મુજબ, ભલે તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમના સંબંધોનું ટાઈમિંગ યોગ્ય નહોતું. શહાનાના મનમાં ઓપન રિલેશનની ભાવનાઓ વધી રહી હતી, પરંતુ તે મિલિંદ સાથે એક્સક્લુઝિવ રિલેશનમાં હતી, તેથી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.








