દર વર્ષે 5 સપ્ટેબરના રોજ શા માટે ઉજવવામાં આવે છે Teacher's Day? જાણો ક્યારે થઈ હતી તેની શરૂઆત
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવામાં આવે છે. આ દિવસ શિ

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો એક ખાસ પ્રસંગ છે. આ દિવસ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની ઉજવણી માટે મનાવવામાં આવે છે.
શિક્ષક દિવસ ક્યારે શરૂ થયો?
શિક્ષક દિવસ ઉજવવાની શરૂઆત 1962માં થઈ હતી. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, દાર્શનિક અને વિદ્વાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુત્તનીમાં થયો હતો. બાદમાં તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને બીજા રાષ્ટ્રપતિ (1962-1967) બન્યા. તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા જેમણે કલકત્તા યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું. 1962માં જ્યારે ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેમના જન્મદિવસને ભવ્ય રીતે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ડો. રાધાકૃષ્ણને નમ્રતાપૂર્વક આ વિચારને નકારી કાઢ્યો અને કહ્યું કે તેમના જન્મદિવસને વ્યક્તિગત ઉજવણી તરીકે મનાવવાને બદલે, તેને શિક્ષકોના માનમાં સમર્પિત કરવો જોઈએ. તેમણે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું, જેથી દેશભરના શિક્ષકોના યોગદાનને ઓળખી શકાય. ત્યારથી, 5 સપ્ટેમ્બર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું યોગદાન
ડો. રાધાકૃષ્ણન એક એવા શિક્ષક હતા જેમણે ભારતીય તત્વજ્ઞાનને વૈશ્વિક માન્યતા આપી. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી ફિલસૂફીમાં શિક્ષણ મેળવ્યું અને લગભગ 40 વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું. તેમની શિક્ષણ શૈલીને કારણે તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. 1954માં, તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમને 27 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ડો. રાધાકૃષ્ણન માનતા હતા કે શિક્ષણ ફક્ત જ્ઞાન પૂરું પાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિત્વ વિકાસ અને સમાજના વિકાસનો આધાર છે.
શિક્ષક દિવસનું મહત્ત્વ
શિક્ષક દિવસ એ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જ અવસર નથી, પરંતુ તે સમાજમાં તેમની ભૂમિકાને રેખાંકિત કરવાનું પણ એક માધ્યમ છે. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા મહત્ત્વપૂર્ણ રહી છે. શિક્ષકો માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવનના નૈતિક મૂલ્યો, આત્મવિશ્વાસ અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા પણ શીખવે છે. આ દિવસ વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના સમર્પણ અને મહેનતને સમજવા તેમજ તેમની પ્રશંસા કરવાની તક આપે છે. આ ઉપરાંત, શિક્ષક દિવસ એ નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા આપવાની અને શિક્ષણને એક આદરણીય વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની તક પણ છે.
શિક્ષક દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
ભારતમાં, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ડાન્સ, ડ્રામા અને સ્પીચ દ્વારા તેમના શિક્ષકો પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને ફૂલો, કાર્ડ અને નાની ગિફ્ટ આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. દર વર્ષે આ દિવસે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.








