મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

આજે Engineer's Day, જાણો ભારત માટે કેમ ખાસ છે આ દિવસ

ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો શા માટે? શ

આજે Engineer's Day, જાણો ભારત માટે કેમ ખાસ છે આ દિવસ

ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો શા માટે? શા માટે 15 સપ્ટેમ્બરે જ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે? તમને જણાવી દઈએ કે આ દિવસ ઉજવવાની પાછળનું કારણ સર એમ. વિશ્વેશ્વરૈય છે. તેમનું આખું નામ મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈય છે, તેમને સરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ ભારતના એક મહાન એન્જિનિયર છે, તેમને ભારત રત્ન પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1861માં કર્ણાટકમાં થયો હતો. તેમને ફાધર ઓફ એન્જિનિયરિંગ પણ કહેવામાં આવે છે.

સર એમ. વિશ્વેશ્વરૈય કોણ હતા?

સર એમ. વિશ્વેશ્વરૈય ભારતીય એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમની અસાધારણ સિદ્ધિઓ અને યોગદાન માટે જાણીતા છે. તેઓ એક પ્રખ્યાત સિવિલ એન્જિનિયર, વિદ્વાન અને રાજકારણી હતા જેમણે ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સર એમ. વિશ્વેશ્વરૈયે શું કર્યું હતું?

એમ. વિશ્વેશ્વરૈયના પ્રસિદ્ધ યોગદાનમાંનું એક કાવેરી નદી પર બનેલો કૃષ્ણ રાજા સાગર ડેમ (KRS) છે. આ ડેમ તે સમયના સૌથી મોટા જળાશયોમાંનો એક હતો અને તેમણે દક્ષિણ ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટ હજુ પણ આ વિસ્તારમાં ખેતી અને પાણી પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ ઉપરાંત સર એમ. વિશ્વેશ્વરૈયે સિંચાઈ અને પૂર નિયંત્રણ ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું હતું. તેમણે ભારતમાં કૃષિ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપનાર ઘણા ડેમ, પુલ અને પાણી વિતરણ પ્રોજેક્ટની રચના કરી હતી. તેમણે મુંબઈના બંદર વિસ્તારમાં પૂરનો સામનો કરવા માટે ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરી હતી. આ પણ તેમની મહાન સિદ્ધિઓમાં ગણાય છે. તેમણે દેશમાં ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એન્જિનિયર્સ ડેનું મહત્વ

જો કે, ભારતમાં એન્જિનિયર્સ ડે માત્ર સર એમ. વિશ્વેશ્વરૈયના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ  નથી ઉજવવામાં આવતો. તેના બદલે, આ દિવસ એ તમામ એન્જિનિયર્સને સન્માનવાનો પણ છે જેઓ દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તે એન્જિનિયર્સરો જેઓ વિવિધ ક્ષેત્રોમાં ટેકનીકલ સુધારણા અને ઇનોવેશન દ્વારા દેશ અને સમાજના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે.

એન્જિનિયર્સ ડે ઉજવવાનો ઉદ્દેશ્ય

એન્જિનિયર્સ ડેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. એન્જિનિયર્સ ડે આપણને યાદ અપાવે છે કે કેવી રીતે ટેકનિકલ ઇનોવેશન અને એન્જિનિયરિંગની મદદથી આપણે આવનારા પડકારોને હલ કરી શકીએ છીએ.

ભારતમાં સૌપ્રથમ વખત એન્જીનિયર્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો?

એન્જિનિયર્સ ડે વિશ્વના વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વ એન્જિનિયરિંગ દિવસ 4 માર્ચે ઉજવવામાં આવે છે. જો કે, ભારતમાં એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ લગભગ 56 વર્ષ જૂનો છે. 1968માં સૌપ્રથમ વખત એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 1962માં સર એમ વિશ્વેશ્વરૈયના અવસાન પછી, તેમના વારસાને આગળ ધપાવવા અને તેમના યોગદાનને માન આપવા માટે 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો