બાળપણમાં સગાઈ અને પિતાનું નિધન: તમામ મુશ્કેલીઓને માત આપીને UPSCમાં 9મો રેન્ક મેળવી બની IFS ઓફિસર

જીવનમાં જ્યારે પડકારો એક પછી એક સામે આવીને ઊભા થઈ જાય, ત્યારે માણસ અવારનવાર ભાંગી પડે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે મુશ્કેલ સંજોગો સામે શરણાગતિ સ્વીકારવાને બદલે પોતાનું નસીબ જાતે લખે છે. મધ્ય પ્રદેશના નાનકડા ગામ ચંદ્રપુરાની રહેવાસી અંજલિ સોંધિયાની કહાની પણ કંઈક આવી જ છે. જ્યારે તે માત્ર 15 વર્ષની હતી અને 10મા ધોરણમાં ભણતી હતી, ત્યારે જ તેના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા. લગ્નના કાર્ડ છપાઈ જવા સુધીની નોબત આવી ગઈ હતી, પરંતુ અંજલિએ પોતાના પુસ્તકો અને અભ્યાસનો સાથ ન છોડ્યો. આજે એ જ અંજલિ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની ભારતીય વન સેવા (IFS) પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 9 (AIR 9) મેળવીને દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ચૂકી છે.
15 વર્ષની ઉંમરે ઘરવાળાઓએ કરાવી સગાઈ
એક ખેડૂત પરિવારમાં જન્મેલી અંજલિ અભ્યાસમાં પહેલેથી જ હોંશિયાર હતી. પોતાના ગામની શાળામાંથી આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી તે બ્યાવરા ગયઈ અને પછી 12મું પૂરું કરીને ઈન્દોર આવી ગઈ. અંજલિએ જોયું હતું કે તેની આસપાસની છોકરીઓ નાની ઉંમરે અભ્યાસ છોડીને લગ્નના બંધનમાં બાંધી દેવાતી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની ઓળખ અભ્યાસના દમ પર જ બનાવશે અને યુપીએસસી (UPSC)ની તૈયારીમાં લાગી ગઈ. 15 વર્ષની ઉંમરે ઘરવાળાઓએ જ્યારે અંજલિની સગાઈ કરી દીધી ત્યારે માતાએ તેને સહારા આપ્યો. અંજલિની માતાએ તેની સગાઈ તોડીને અભ્યાસ ચાલુ રાખવામાં તેનો પૂરો સાથ આપ્યો.
ત્રણ વાર મળી નિષ્ફળતા અને પરિવાર પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ
અંજલિની આ સફર બિલકુલ સરળ નહોતી. વર્ષ 2021, 2022 અને 2023ની સિવિલ સેવા પ્રારંભિક (Prelims) પરીક્ષામાં તેને સતત ત્રણ વાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. જ્યારે પણ તે અસફળ થતા, સમાજ અને સગા-સંબંધિઓ તરફથી લગ્ન કરવાનું દબાણ વધી જતું.
વર્ષ 2023 તેના જીવનનો સૌથી કઠિન સમય સાબિત થયો. એક તરફ તે ત્રીજી વાર પ્રિલિમ્સમાં નાપાસ થઈ અને બીજી તરફ તેના માથા પરથી પિતાની છત્રછાયા ઊઠી ગઈ. આ સૌથી કઠિન તબક્કામાં અંજલિની માતા તેની સાથે અડીખમ ઊભા રહ્યા અને તેમણે પોતાની દીકરીના સપનાઓને તૂટવા ન દીધા.
ચોથા પ્રયાસમાં રચ્યો ઇતિહાસ, હાસલ કર્યો AIR-9
તમામ મુશ્કેલીઓ, આંસુઓ અને સામાજિક દબાણો વચ્ચે અંજલિએ પોતાના ચોથા પ્રયાસમાં સિવિલ સેવાની સાથે સાથે ભારતીય વન સેવા (IFS) ની પરીક્ષા પણ આપી. વર્ષોની અથાક મહેનત, ત્યાગ અને લગનનું પરિણામ એ આવ્યું કે તેમણે UPSC ભારતીય વન સેવા (IFS) માં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક મેળવ્યો.
અંજલિ સોંધિયાનું માનવું છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. જ્યારે દુનિયા તમારું નસીબ નક્કી કરવાનો પ્રયાસ કરે, ત્યારે તમારે પોતાની મહેનત અને પુસ્તકોના બળે તમારું ભાગ્ય જાતે લખવું જોઈએ.

