મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

પરીક્ષામાં કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થીઓનો પાડવામાં આવશે ફોટો, જાણો શા માટે બનાવ્યો આ નિયમ

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં કોઈ વિદ્ય

પરીક્ષામાં કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થીઓનો પાડવામાં આવશે ફોટો, જાણો શા માટે બનાવ્યો આ નિયમ

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવામાં આવી રહ્યો છે.

પહેલી વખત બનાવ્યો આ નિયમ

સત્તાધીશોએ પહેલી વખત આ પ્રકારનો નિયમ બનાવ્યો છે. નિયમ લાગુ કરવા માટે વિજિલન્સ સ્કવોડ અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સૂચના આપવામાં આવી છે. આ ફોટોગ્રાફ વિજિલન્સ સ્કવોડના વોટસએપ ગ્રુપમાં અપલોડ કરવાનો રહેશે. જેનો ઉપયોગ અનફેરમીન્સ કમિટિની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી સામે પૂરાવા તરીકે થશે.

આ પણ વાંચો: ધો.11-12ના 2.50 લાખ વિદ્યાર્થીને સરકારની આ યોજના ફળી, આ રીતે તમે પણ ઉઠાવો લાભ

નવો નિયમ ચર્ચાસ્પદ પણ બન્યો છે. કારણ કે આ પ્રકારની કાર્યવાહી ગંભીર ગુનો કરનારા ગુનેગારો સામે પોલીસ મથકમાં થતી હોય છે. જ્યારે કાપલીનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓએ કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે તેમનો ફોટો પાડવો પડે તેવું ઘણા અધ્યાપકોને પણ લાગી રહ્યું છે. ઉપરાંત આ ફોટોગ્રાફનો દુરપયોગ થવાનું પણ જોખમ રહેતું હોય છે.

બીજી તરફ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાયા બાદ અનફેરમીન્સ કમિટિ સમક્ષ ઘણી વખત કાપલી પોતાની હોવાનો ઈનકાર કરી દેતા હોય છે અને તેના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. જોકે આ ફોટોગ્રાફને કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નહીં આવે. સાથે જ સુપરવિઝન કરનારા અધ્યાપકો માટે પણ આ જ નિયમ અમલમાં મૂકાયો છે. સુપરવિઝન કરતી વખતે અધ્યાપક મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે અને જો અધ્યાપક મોબાઈલ ઉપયોગમાં લેતા હોવાનું ધ્યાનમાં આવશે તો તેમનો પણ ફોટોગ્રાફ લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થિનીએ મહિલા અધ્યાપકના હાથ પર બચકું ભરી લીધું હતું 

યુનિવર્સિટીની પરીક્ષામાં ગત વર્ષે  કાપલી સાથે પકડાયેલી એક વિદ્યાર્થિનીએ વિજિલન્સ સ્કવોડની સભ્યને બચકું ભરી લીધું હતું. સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષા આપી રહેલી કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થિની પાસેથી ઢગલાબંધ કાપલીઓ પકડાઈ હતી. તેની પાસે કાપલીઓ માંગવામાં આવી ત્યારે તેણે કાપલી આપવાનો ઈનકાર કરી દીધો હતો. વિજિલન્સ સ્કવોડના મહિલા અધ્યાપકે કાપલીઓ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિદ્યાર્થિનીએ તેમના હાથ પર બચકું ભરી લીધું હતું. તે વખતે મોબાઈલ પર ફોટો પાડવાની કે વીડિયો રેકોર્ડિંગ કરવાની પરવાનગી હોત તો આ સ્થિતિ ના સર્જાઈ હોય તેવી પણ એક દલીલ થઈ રહી છે.

ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા નથી 

યુનિવર્સિટીની ભાગ્યે જ કોઈ ફેકલ્ટીના ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા છે. જે સીસીટીવી કેમેરા કેમ્પસમાં લાગ્યા છે તેમાંથી પણ મોટાભાગના કેમેરા કામ નથી કરતા. જો ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા હોય તો તેનું રેકોર્ડિંગ પણ પૂરાવા તરીકે કામ લાગી શકે અને વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ લેવાની જરૂર ના રહે.

આ સમાચાર શેર કરો