VIDEO / વિદેશમાં પણ નોકરીનું સંકટ, આ દેશમાં કોફી હાઉસમાં નોકરી માટે ભારતીયોએ લગાવી લાંબી લાઈન
કેનેડિયન કોફી હાઉસ ટિમ હોર્ટન્સની બહાર ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગી છે.

કેનેડિયન કોફી હાઉસ ટિમ હોર્ટન્સની બહાર ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગી છે. આ લાઈન જોબ ઇન્ટરવ્યુ આપવા માટે લાગી છે. કેનેડામાં ટિમ હોર્ટન્સ આઉટલેટમાં જોબ ફેરમાં ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓની લાંબી લાઈનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક વિદ્યાર્થીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેનું મથાળું હતું, "ટિમ હોર્ટન્સમાં જોબ ફેર અને સંઘર્ષ હજુ બાકી છે." આ વીડિયોને 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 500થી વધુ કોમેન્ટ્સ મળી છે. કેનેડામાં નોકરીની સ્થિતિ અંગે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
વીડિયો બનાવનાર નિશાંતે જણાવ્યું કે તે પોતે નોકરીની શોધમાં લાઈનમાં ઉભો હતો. તેણે જણાવ્યું કે તે કેનેડામાં વિદ્યાર્થી છે અને છેલ્લા એક મહિનાથી નોકરીની શોધમાં છે. તેમણે જણાવ્યું કે કોફી હાઉસની બહાર 100થી વધુ વિદ્યાર્થીઓ નોકરી માટે લાઈનમાં ઉભા હતા. નિશાંત વીડિયોમાં કહે છે કે આસપાસના લોકો પણ આટલી લાંબી લાઈન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેણે તેના ઇન્ટરવ્યુ વિશે અને કોફી હાઉસ દ્વારા તેને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા તેની માહિતી પણ આપી. પોતાનો બાયોડેટા સબમિટ કર્યા પછી નિશાતે કહ્યું, "મને ખબર નથી કે મને સ્ટોરમાં નોકરી મળશે કે નહીં. તેથી તે મારા માટે સંઘર્ષનો દિવસ હતો." તેણે કહ્યું કે તેણે અન્ય સ્ટોર્સમાં પણ નોકરી માટે અરજીઓ સબમિટ કરી છે.
કેનેડામાં માર્ચમાં 2,200 લોકોએ નોકરીઓ ગુમાવી હતી, જેમાં મોટાભાગના સર્વિસ સેક્ટરના હતા. આના કારણે આ વર્ષે માર્ચની શરૂઆતમાં બેરોજગારીનો દર 6.1 ટકાના 26 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. કેનેડાનો બેરોજગારી દર મે મહિનામાં ચાર મહિનામાં ત્રીજી વખત ફરી વધ્યો. બ્લૂમબર્ગના અહેવાલમાં સ્ટેટિસ્ટિક્સ કેનેડાને ટાંકીને જણાવાયું છે કે દેશમાં બેરોજગારીનો દર 0.1 ટકા વધીને 6.2 ટકા થયો છે.








