મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

હોમી જહાંગીર ભાભાએ ભારતને દેખાડ્યું હતું ન્યુક્લિયર પાવર બનવાનું સપનું, જાણો તેમની સાથે જોડાયેલી 10 વાતો

આજે ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા અને પ્રખ્યાત ન્યુક્લિયર ફિઝિસ્ટ હોમી જહાંગીર ભાભાની જન

હોમી જહાંગીર ભાભાએ ભારતને દેખાડ્યું હતું ન્યુક્લિયર પાવર બનવાનું સપનું, જાણો તેમની સાથે જોડાયેલી 10 વાતો

આજે ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા અને પ્રખ્યાત ન્યુક્લિયર ફિઝિસ્ટ હોમી જહાંગીર ભાભાની જન્મજયંતિ છે. તેઓ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) ના સ્થાપક ડિરેક્ટર અને ફિઝિક્સના પ્રોફેસર પણ હતા. તેમને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઓક્ટોબર 1909ના રોજ એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો.

16 વર્ષની ઉંમરે મુશ્કેલ પરીક્ષા પાસ કરી

હોમી જહાંગીર ભાભાના પિતાનું નામ જહાંગીર હોરમુસજી ભાભા અને માતાનું નામ મહેરબાઈ ભાભા હતું. તેમના પિતા જાણીતા વકીલ હતા જ્યારે તેમના માતા ગૃહિણી હતા. હોમી ભાભાએ 16 વર્ષની ઉંમરે સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેઓ ગોનવિલે અને કેયસ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ ગયા. આ પછી તેમણે કેમ્બ્રિજની કેવેન્ડિશ લેબમાં રિસર્ચ શરૂ કરી અને તેમનું પહેલું રિસર્ચ પેપર 1933માં પ્રકાશિત થયું. બે વર્ષ પછી, તેમણે પીએચડી મેળવ્યું અને 1939 સુધી કેમ્બ્રિજમાં રહ્યા.

તેમની સાથે જોડાયેલી વાતો

1939માં તેઓ થોડા સમય માટે ભારત આવ્યા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે તેઓતેમની રિસર્ચ પૂર્ણ કરવા માટે કેમ્બ્રિજ પાછા ફરી શક્યા નહોતા, તેથી તેઓ બેંગલોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) માં રીડર તરીકે જોડાયા હતા.

ભાભા માત્ર વિજ્ઞાનના જ નહીં પણ કલાના પણ પ્રેમી હતા. તેમને પેઈન્ટિંગ, શાસ્ત્રીય સંગીત અને ઓપેરા સાંભળવાનું પસંદ હતું અને તેઓ એક બોટનીસ્ટ પણ હતા.

હોમી ભાભાએ એક વિદ્યાર્થી તરીકે કોપનહેગનમાં નોબેલ પુરસ્કાર વિજેતા નીલ્સ બોહર સાથે કામ કર્યું હતું અને ક્વોન્ટમ થિયરીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેમણે જ મેસન પાર્ટિકલને ઓળખી અને તેનું નામ આપ્યું હતું. તેમણે કોસ્મિક રેડિયેશનને સમજવા માટે કાસ્કેડ સિદ્ધાંત વિકસાવવા માટે જર્મન ફિઝિસ્ટ સાથે મળીને કામ કર્યું હતું.

તેઓ 1955માં આયોજિત એટમિક એનર્જીના શાંતિપૂર્ણ ઉપયોગ અંગેની પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રથમ અધ્યક્ષ હતા.

1954માં તેમને એટમિક એનર્જીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, અને 1942માં તેમને એડમ્સ પુરસ્કાર પણ મળ્યો હતો, તેમજ રોયલ સોસાયટીના ફેલો બનાવવામાં આવ્યા હતા.

ભાભા ઈચ્છતા હતા કે એટમિક એનર્જીનો ઉપયોગ દેશમાં ગરીબી દૂર કરવા માટે થાય અને વિશ્વભરમાં એટમિક હથિયારને ગેરકાયદેસર જાહેર કરવાની હિમાયત કરી હતી.

તેઓ તેમના કામ પ્રત્યે એટલા સમર્પિત હતા કે તેઓ જીવનભર કુંવારારહ્યા અને તેમનો બધો સમય વિજ્ઞાનને સમર્પિત કર્યો હતો.

ભાભા મલબાર હિલ્સમાં મેહરાનગીર નામના મોટા બંગલામાં રહેતા હતા.

24 જાન્યુઆરી, 1966ના રોજ માઉન્ટ બ્લેન્ક નજીક એક રહસ્યમય હવાઈ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તે જ સમયે, કેટલાક લોકો દાવો કરે છે ભારતના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી.

તેમના મૃત્યુના 8 વર્ષ પછી, ભારતે 18 મે 1974ના રોજ પોખરણમાં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું, જેનું કોડ નામ 'ઓપરેશન સ્માઈલિંગ બુદ્ધા' હતું.

આ સમાચાર શેર કરો