Night Shift / 9 કલાકની નાઈટ શિફ્ટ માટે આ રીતે કરો પોતાને તૈયાર
How to prepare yourself for 9 hour Night Shift | નાઈટ શિફ્ટમાં કામ કરવું કોઈ પડકારથી ઓછું નથી. ઘણા સંશોધનો અનુસાર, આખી રાત જાગવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક

નાઈટ શિફ્ટમાં કામ કરવું કોઈ પડકારથી ઓછું નથી. ઘણા સંશોધનો અનુસાર, આખી રાત જાગવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી બચી શકાય છે. આ માટે, એ મહત્ત્વનું છે કે તમે તમારી જાતને અગાઉથી તૈયાર કરો. કારણ કે ઓફિસની શિફ્ટ ઘણીવાર 8થી 9 કલાક લાંબી હોય છે. જો તમે પણ એવી પરિસ્થિતિનો સામનો કરો છો કે તમારે નાઈટ શિફ્ટ કરવી પડે છે, તો તમે આ લેખમાં દર્શાવેલ કેટલીક ટિપ્સને ફોલો કરીને તમારી જાતને તૈયાર કરી શકો છો.
ઊંઘનું શેડ્યૂલ
તમારા રજાના દિવસોમાં પણ ઊંઘનું શેડ્યૂલ જાળવો. તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમારે દરરોજ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. તમે ગમે તેટલું કામ કરો, પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
ઊંઘ માટે અનુકૂળ વાતાવરણ બનાવો
તમારા બેડરૂમને શક્ય તેટલો આરામદાયક અને ઊંઘ માટે અનુકૂળ રાખો. સૂર્યપ્રકાશને બ્લોક કરવા માટે બારીઓ પર કાળા પડદાનો ઉપયોગ કરો. ઉપરાંત, અવાજ ઘટાડવા માટે, તમે ઈયરપ્લગ પહેરી શકો છો અથવા રૂમનો દરવાજો લોક કરીને સૂઈ શકો છો. ઋતુ પ્રમાણે રૂમનું તાપમાન આરામદાયક રાખો, જેથી તમારી ઊંઘમાં કોઈ ખલેલ ન પહોંચે.
શોર્ટ નેપ લો
જો તમારા માટે એક જ સમયે પૂરતી ઊંઘ લેવી મુશ્કેલ હોય, તો નાઈટ શિફ્ટ પહેલા અથવા પછી 20-30 મિનિટની શોર્ટ નેપ લો. તેનાથી તમારું માઈન્ડ ફ્રેશ રહી શકે છે.
કોફી અને ચાનું સેવન મર્યાદિત કરો
નાઈટ શિફ્ટ દરમિયાન લોકો વારંવાર ચા અથવા કોફી પીતા હોય છે, પરંતુ તમારે તેને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને તમારી શિફ્ટના અંતે તો ક્યારેય ચા કે કોફીનું સેવન ન કરો, કારણ કે કેફીન તમારી ઊંઘમાં દખલ કરી શકે છે.
નિયમિત એક્સરસાઈઝ કરો
જો તમે નાઈટ શિફ્ટમાં કામ કરો છો, તો તમારે શિફ્ટ દરમિયાન એક્ટિવ રહેવા માટે નિયમિત એક્સરસાઈઝ કરવી જોઈએ. જો તમને આ માટે સમય નથી મળતો તો ઓફિસ જતી વખતે ઓછામાં ઓછું થોડું વોકિંગ કરો.
પૌષ્ટિક આહાર
તમે તમારા એનર્જી લેવલને જાળવી રાખવા માટે રોજ પૌષ્ટિક આહાર લેવાની ખાતરી કરો. સૂતા પહેલા હેવી ફૂડ ખાવાનું ટાળો, કારણ કે તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.








