એક વર્ષથી જાહેર નથી થયું GPSC કલાસ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ, મુંઝવણમાં મુકાયા ઉમેદવારો
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ્સ પ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ્સ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર 2024માં મેઈન્સ લેવાઈ હતી. પરંતુ એક વર્ષ થવા છતાં હજુ સુધી મેઈન્સનું પરિણામ જાહેર ન થતા પરીક્ષા આપનારા ઉમેદવારો ફસાયા છે અને મોટી મુંઝવણમાં મુકાયા છે. બીજી બાજુ GPSC દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે અને ક્યારે ઇન્ટરવ્યુ લેવાશે તેની કોઈ જ સ્પષ્ટતા નથી કરાતી. જેને પગલે ઉમેદવારોના નાણા અને સમયનો વ્યય થાય છે.
પરિણામ જાહેર ન થતા નવી ભરતી પરીક્ષાઓ આપવી કે નહીં તેની મુંઝવણમાં ઉમેદવારો
GPSCની કલાસ 1 અને 2ની ભરતીની ગત ઓક્ટોબર-2024ની મેઈન્સ પરીક્ષા આપનારા ઉમેદવારોએ આયોગમાં પરિણામને લઈને રજૂઆત કરી છે. જે મુજબ 2023-24ની ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ હતી .જેમાં ક્વોલિફાઈ થનારા અંદાજે 9900 જેટલા ઉમેદવારોએ ઓક્ટોબર 2024માં મેઈન્સ પરીક્ષા આપી હતી. મેઈન્સ પરીક્ષાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી GPSC દ્વારા પરિણામ જાહેર નથી કરાયું.
ઉમેદવારોની ફરિયાદ છે કે GPSCમાં હાલ માત્ર ચેરમેન અને અન્ય એક જ મેમ્બર છે. જ્યારે પાંચ મેમ્બરની જગ્યા ખાલી છે. ઓક્ટોબર 2024ની મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી અને નવી ભરતી પરીક્ષાઓ જાહેર થાય છે તેમજ લેવામાં આવે છે. ત્યારે ઉમેદવારોએ નવી પરીક્ષાઓ માટે તૈયારી કરવી કે નહીં, પરીક્ષા આપવી કે નહીં તેની મોટી મુંઝવણ છે. ઉમેદવારોની ફરિયાદ છે કે પરિણામ મુદ્દે અનેકવાર પુછપરછ કરવામાં આવી છે. પરંતુ GPSC દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરાતી.
માત્ર વેબસાઈટ જોતા રહેવું તેવો જ જવાબ આપવામાં આવે છે. બે વર્ષ પહેલા જાહેર થયેલી ભરતીમાં હજુ સુધી ફાઈનલ પસંદગી જ નથી થઈ શકી. મેઈન્સનું પરિણામ ક્યારે આવશે અને ક્યારે ઇન્ટરવ્યુ થશે તેને લઈને ઉમેદવારો ચિંતામાં મુકાયા છે. ઉપરાંત આયોગમાં મેમ્બર્સ પણ પુરતા ન હોવાથી ભરતી પરીક્ષાઓમાં ઇન્ટરવ્યુ પણ કઈ રીતે લેવાશે તે પ્રશ્ન ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.






