મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

જામનગરની એક મુલાકાત અને વાત બની ગઈ, ઝુકરબર્ગ રિલાયન્સ કેમ્પસમાં ખોલશે Metaનું ડેટા સેન્ટર

થોડા દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં ગુજરાતનું જામનગર ઝળક્યું હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણ

જામનગરની એક મુલાકાત અને વાત બની ગઈ, ઝુકરબર્ગ રિલાયન્સ કેમ્પસમાં ખોલશે Metaનું ડેટા સેન્ટર

થોડા દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં ગુજરાતનું જામનગર ઝળક્યું હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે દેશ વિદેશની જાણીતી હસ્તીઓનો મેળાવડો એકત્ર થયો હતો. આ ઈવેન્ટમાં બિલ ગેટ્સથી લઈને માર્ક ઝુકરબર્ગ સુધીના લોકો પણ આવ્યા હતા.  મુકેશ અંબાણીના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી હવે એવું કહેવાઈ રહ્યું છે કે ઝુકરબર્ગની આગેવાની હેઠળ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ભારતમાં તેનું પહેલું ડેટા સેન્ટર ચેન્નાઈના રિલાયન્સ કેમ્પસમાં ખોલી શકે છે.

માર્ક ઝુકરબર્ગની Facebook, Instagram અને WhatsAppની પેરેન્ટ કંપની મેટા ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર તમિલનાડુના ચેન્નઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં સ્થાપી શકે છે. આ નિર્ણય બંને કંપનીઓ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે અને આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વને દર્શાવે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈમાં ડેટા સેન્ટર સ્થાપવાનો નિર્ણય તાજેતરના એક કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.

રિલાયન્સનું ચેન્નાઈ કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટીનું સંયુક્ત કેમ્પસ છે, જે 10 એકરમાં ફેલાયેલું છે અને 100-MW IT લોડ ક્ષમતા સાથેનું તૈયાર કરાયેલું છે.

ઉલ્લેખનીય છે કે જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાજરી આપવા માટે માર્ક ઝુકરબર્ગ તેમની પત્ની સાથે આવ્યા હતા. અહીં ઝુકરબર્ગ સંપૂર્ણપણે ભારતીય પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને તેમણે તેમના રોકાણ દરમિયાન અંબાણીના વનતારાની મુલાકાત પણ લીધી હતી.

જોકે મેટાના રોકાણ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી, માર્ચની શરૂઆતમાં એક અહેવાલ અનુસાર, કંપની એક નાનું ડેટા સેન્ટર સ્થાપવા માટે મૂલ્યાંકન કરી રહી છે, જે 10-20 મેગાવોટનું હોઈ શકે છે. એવો અંદાજ હતો કે મેટા ભારતમાં આ ક્ષમતાનું તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ. 500થી રૂ. 1,200 કરોડનું રોકાણ કરી શકે છે. ભારતમાં મેટાનો યુઝર બેઝ તેના અમેરિકી યુઝર બેઝ કરતા ઘણો વધારે છે. કંપનીએ તેના છેલ્લા ત્રિમાસિક કમાણી કોલ દરમિયાન ભારતમાંથી જાહેરાતની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં સામેલ છે.  

આ સમાચાર શેર કરો