ગોલ્ડમેન સૅક્સે ગો ફોર ગોલ્ડ એવું કેમ કહ્યું? શું સોનામાં રોકાણ કરવાનો આ ખરો ટાઇમ છે?
ગ્લોબલ ફર્મ ગોલ્ડમેન સૅક્સે તાજેતરમાં સોનાની કિંમત પર એક મહત્વપૂર્ણ રિપોર્ટ

ગ્લોબલ ફર્મ ગોલ્ડમેન સૅક્સે તાજેતરમાં સોનાની કિંમત પર એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેણે 'ગો ફોર ગોલ્ડ'ના સંદર્ભમાં મોટો અંદાજ લગાવ્યો છે. ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ વધી શકે છે.
સોનાના ભાવમાં વધારો થવાના સંકેત
ગોલ્ડમેન સૅક્સે તેના રિપોર્ટમાં કહ્યું છે કે ફેડ રેટ ઘટાડા પછી સોનાની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સ્પોટ ગોલ્ડમાં 21 ટકાનો વધારો થયો છે અને 20 ઓગસ્ટના રોજ તે $2,531.60 પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. પેઢીએ 2024ના અંત માટે તેના અનુમાનમાં સુધારો કર્યો છે અને 2025ની શરૂઆતમાં સોનાની ટાર્ગેટ વેલ્યુ $2,700 પ્રતિ ઔંસ સુધી વધાર્યું છે.
સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 250 રૂપિયા ઘટીને 74,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. એ જ રીતે ચાંદીનો ભાવ પણ રૂ. 1,700 ઘટીને રૂ. 85,500 પ્રતિ કિલો થયો હતો. વૈશ્વિક સ્તરે કોમેક્સ સોનું $2,531.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગોલ્ડમૅન સૅક્સના અનુમાન મુજબ, જો સોનાની કિંમત $2,700 પ્રતિ ઔંસ સુધી પહોંચે છે, તો ભારતમાં સોનાના ભાવમાં લગભગ 5,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. એટલે કે વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
અન્ય મેટલ્સ માટે ગોલ્ડમેનનું અનુમાન
ગોલ્ડમૅન સૅક્સે તાંબા અને અન્ય ઔદ્યોગિક ધાતુઓ માટે પણ તેની આગાહીઓ શેર કરી છે. 2024 ના અંતમાં તાંબાના ભાવો માટે $12,000 પ્રતિ મેટ્રિક ટનનો લક્ષ્યાંક હવે 2025 પછી મુલતવી રાખવામાં આવ્યો છે. બેંકનો અંદાજ છે કે 2025માં તાંબાની સરેરાશ કિંમત $10,100 પ્રતિ ટન હશે. આ સિવાય ગોલ્ડમેન સૅક્સે એલ્યુમિનિયમ અને નિકલ માટે પણ તેની આગાહીમાં સુધારો કર્યો છે, જેના કારણે આ ધાતુઓ પ્રમાણમાં સ્થિર અથવા મંદીમાં રહી શકે છે.
ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ અનુસાર, જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો હાલનો સમય રોકાણ કરવા અને સોનું ખરીદવા માટે યોગ્ય હોઈ શકે છે. સોનાના ભાવમાં સંભવિત વધારો અને અન્ય ધાતુઓ સામે સોનાની મજબૂતાઈને જોતાં રોકાણકારો અને ખરીદદારો માટે આ મહત્ત્વની તક બની શકે છે.








