SBIના નવા ચેરમેન બનશે ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટી! જાણો પગાર ઉપરાંત મળે છે કઈ સુવિધાઓ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેનની ચૂંટણી

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બેંકના વર્તમાન ચેરમેન દિનેશ ખારા 28 ઓગસ્ટ 2024ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની ઉંમર 63 વર્ષ હશે, જે SBIના ચેરમેન પદ માટેની ઉપલી વય મર્યાદા છે. આ કારણોસર SBIના નવા ચેરમેનની શોધ તેજ થઈ ગઈ છે. આ ક્રમમાં ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીના નામની ભલામણ કરવામાં આવી રહી છે.
SBIના નવા ચેરમેન
ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો (FSIB) એ ભારતીય સ્ટેટ બેંકના આગામી અધ્યક્ષ તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીના નામની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારની સંસ્થા FSIB એ SBI ચેરમેન પદ માટે જરૂરી માપદંડો અને તેમના કુલ અનુભવને ધ્યાનમાં રાખીને ચલ્લા શ્રીનિવાસુલુના નામની ભલામણ કરી છે. જોકે, FSIBની ભલામણ પછી વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ SBIના અધ્યક્ષ પદ માટેના નવા નામ પર અંતિમ નિર્ણય લે છે.
કોણ છે ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટી?
ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટી પાસે બેંકિંગ સેવાઓનો બહોળો અનુભવ છે. તેમને SBIમાં 36 વર્ષથી વધુનો અનુભવ છે. હાલમાં તેઓ ઈન્ટરનેશનલ બેંકિંગ, ગ્લોબલ માર્કેટ અને ટેકનોલોજી વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને રિટેલ અને ડિજિટલ બેન્કિંગ તેમજ લોન રિકવરીનો અનુભવ છે. તે બેંકની બેડ લોન રિકવરી અને વિદેશમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ માટે પણ જવાબદાર છે. અગાઉ, તેઓ જાન્યુઆરી 2020માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી સરકારી બેંક છે. બેંકમાં સરકારનો 56.92% હિસ્સો છે. બેંકનો પાયો 1 જુલાઈ 1955ના રોજ નાખવામાં આવ્યો હતો. બેંકનું મુખ્યાલય મુંબઈમાં છે. 22,405થી વધુ શાખાઓ અને 48 કરોડથી વધુ ગ્રાહકો છે. બેંકનો વ્યવસાય વિશ્વના 295 દેશોમાં ફેલાયેલો છે.
કેટલો મળે છે પગાર
SBI બેંકના ચેરમેનના પગારને લઈને ઘણી ચર્ચા શરૂ થઈ જ્યારે બેંકના પૂર્વ ચેરમેન રજનીશ કુમારે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેને 28 લાખ રૂપિયા પગાર મળતો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ બેંકના ચેરમેન દિનેશ કુમાર ખારા છે. એસબીઆઈના વાર્ષિક રિપોર્ટ અનુસાર તેમને 37 લાખ રૂપિયાનો પગાર મળે છે. જેમાં રૂ. 27 લાખનો બેસિક પગાર, રૂ. 9.99 લાખનું મોંઘવારી ભથ્થું સામેલ છે.
પગાર સાથે મળે છે આ સુવિધાઓ
પગાર ઉપરાંત SBI ચેરમેનને મુંબઈના માલાબર હિલ્સમાં રહેવા માટે એક આલીશાન બંગલો મળે છે. જો કોઈ આ બંગલો ભાડા પર લે તો તેને દર મહિને ઓછામાં ઓછા 2થી 2.5 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. ઘર ઉપરાંત કાર અને ડ્રાઈવરની પણ સુવિધા આપવામાં આવે છે.








