મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરતા પહેલા વેરીફાઈ કરાવી લો બેન્ક એકાઉન્ટ, નહીં તો રિફંડમાં આવી શકે છે મુશ્કેલી

રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી તમારું રિટર્ન ફાઈલ નથી કર્યું

ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરતા પહેલા વેરીફાઈ કરાવી લો બેન્ક એકાઉન્ટ, નહીં તો રિફંડમાં આવી શકે છે મુશ્કેલી

રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી તમારું રિટર્ન ફાઈલ નથી કર્યું, તો તમારે આ કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ. રિટર્ન ફાઈલ કરવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવી યોગ્ય નથી. જો કોઈપણ કરદાતાએ એડવાન્સ ટેક્સ અથવા ટીડીએસ દ્વારા વધુ ટેક્સ ચૂકવ્યો છે, તો તેને આવકવેરા વિભાગ તરફથી ઝડપી રિફંડ મળશે. જેના માટે તમારે તમારું બેન્ક એકાઉન્ટ વેરિફાઈડ કરવું પડશે.

બેન્ક એકાઉન્ટ પ્રિ-વેલિડેટ જરૂરી

ઈન્કમટેક્ષ રિફંડની સાચી પ્રક્રિયા માટે બેન્ક ખાતાને પ્રિ-વેલિડેટ કરાવવું જરૂરી છે. જે ખાતરી કરે છે કે કરદાતાના બેન્ક ખાતા સંબંધિત માહિતી સાચી છે. તેમજ તે પાન સાથે લિંક છે. ઘણી વખત બેન્કોના મર્જર અથવા એક્વિઝિશનને કારણે IFSC અથવા એકાઉન્ટ નંબરમાં ફેરફાર થાય છે. જેથી કરદાતાના બેન્ક ખાતા સંબંધિત માહિતીમાં ફેરફાર થાય છે. જેને અપડેટ કરવી જરૂરી છે, નહીં તો રિફંડમાં મુશ્કેલી આવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરતા પહેલા બેન્ક એકાઉન્ટને વેરિફિકેશન કરવામાં આવે તો સારું રહેશે. આનાથી રિફંડની ખાતરી થાય છે.

બેન્ક ખાતાને વેલિડેટ કરવાની પ્રક્રિયા શું છે?

બેન્ક ખાતાને વેલિડેટ કરવાની પ્રક્રિયા સાવ સરળ છે. સૌ પ્રથમ, તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ (incometax.gov.in) પર લોગ ઈન કરવું પડશે. બાદમાં તમારે 'My Profile' પર જઈને 'My Bank Account' પસંદ કરવાનું રહેશે. અહીં તમે નવું બેન્ક એકાઉન્ટ ઉમેરી શકો છો અથવા જૂનું એકાઉન્ટ અપડેટ કરી શકો છો. જેના માટે તમારે બેન્કનું નામ, એકાઉન્ટ નંબર, પાન, IFSC જેવી માહિતી ભરવાની રહેશે. બાદમાં તે સબમિટ કરવાનું રહેશે.

તમારી માહિતી વેલિડેટ થઈ છે કે નહીં તે ચકાસો

તમારી બેન્ક એકાઉન્ટની માહિતી માન્ય છે કે નહીં, તેની ચકાસણી કરવી જરૂરી છે. જેના માટે તમારે ફરીથી ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગ ઈન કરવું પડશે. 'My Profile' પર જવું પડશે. તેમાં 'My Bank Account' વિકલ્પ પસંદ કરશો એટલે સ્ક્રીન પર તમને તે બેન્ક ખાતાઓની યાદી દેખાશે જે પ્રિ-વેલિડેટ છે અને જે તમે આવકવેરા રિફંડ માટે પસંદ કર્યા છે.

પ્રિ-વેલિડેશનના લાભ

બેન્ક ખાતાનું પ્રિ-વેલિડેશન એ સુનિશ્ચિત કરે છે કે રિફંડની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકશે, ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કર્યા પછી તરત જ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રિફંડ જારી કરવામાં આવે છે. જો તમે તમારું બેન્ક એકાઉન્ટ વેલિડેટ કરાવ્યું છે, તો રિફંડના પૈસા તમારા ખાતામાં ઝડપથી અડચણ વિના આવે છે. ઘણા લોકોનું રિફંડ અટવાઈ જાય છે, જેની પાછળ મોટાભાગે બેન્ક ખાતાનું પ્રિ-વેલિડેશન ન કરાવવાનું પરિબળ જવાબદાર છે. 

આ સમાચાર શેર કરો