કરોડોના આસામી છે ભારતના આ 7 બાબા, લિસ્ટમાં નિત્યાનંદ, સદગુરુ અને બાબા રામદેવ પણ સામેલ
ભારતમાં આધ્યાત્મિકતાનું ઘણું મહત્ત્

ભારતમાં આધ્યાત્મિકતાનું ઘણું મહત્ત્વ છે અને આ જ કારણ છે કે દેશમાં મોટી સંખ્યામાં ગુરુઓ અને બાબાઓ છે. ભારે પ્રભાવ ધરાવતા આ બાબાઓના મોંઘા અને હાઈ-પ્રોફાઈલ આશ્રમોમાં ભક્તોની ભીડ હોય છે. વિશ્વભરમાં લાખો અનુયાયીઓ ધરાવતા આ આધ્યાત્મિક ગુરુઓ પાસે અપાર સંપત્તિ છે. આજે અમે તમને ભારતના 7 સૌથી ધનિક અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુઓ અને બાબાઓની સંપત્તિ વિશે જણાવીશું…
સદગુરુ જગ્ગી વાસુદેવ
પ્રખ્યાત આધ્યાત્મિક અને યોગ ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ દેશ અને દુનિયાના મહાન બાબાઓમાંના એક છે. તેમના લાખો ફોલોઅર્સ છે. એક અહેવાલ અનુસાર, 2023માં તેમની કુલ સંપત્તિ 18 કરોડ રૂપિયા હતી. તેમના વિશાળ સામ્રાજ્યમાં ઘણા યોગ કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણીય પ્રોજેક્ટ્સ છે, જેના કારણે તેઓ ખૂબ પ્રભાવશાળી બન્યા છે.
શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ આધ્યાત્મિકતા દ્વારા લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે વિશ્વભરમાં જાણીતા છે. અહેવાલો અનુસાર, 151થી વધુ દેશોમાં તેમના 300 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેમની ખ્યાતિ દેશ અને દુનિયામાં ફેલાયેલી છે. શ્રી શ્રી રવિશંકરે 6 વર્ષની ઉંમરે વૈદિક સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. એક અહેવાલ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 1000 કરોડ રૂપિયા છે. આ સિવાય તેઓ ઘણા હેલ્થકેર સેન્ટર, ફાર્મસી અને આર્ટ ઓફ લિવિંગ સેન્ટરના માલિક પણ છે.
બાબા રામદેવ
બાબા રામદેવ એક સફળ યોગ ગુરુ અને બિઝનેસમેન છે. ભારતમાં તેમણે પતંજલિ આયુર્વેદ દ્વારા કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું. આ સાથે દેશ અને દુનિયામાં યોગનો ફેલાવો થયો. હરિયાણાના ખેડૂત પરિવારમાંથી આવેલા બાબા રામદેવે હરિદ્વારમાં યોગ શીખવવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ પતંજલિ યોગપીઠ અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના વડા છે. આ બંને ટ્રસ્ટની દેશભરમાં અનેક શાખાઓ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 1600 કરોડ રૂપિયા છે.
માતા અમૃતાનંદમયી અમ્મા
લોકો પ્રેમથી માતા અમૃતાનંદમયીને અમ્મા કહે છે. તેઓ કેરળનાં છે અને તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1953ના રોજ થયો હતો. તેઓ અમૃતાનંદમયી ટ્રસ્ટના વડા છે. એક અહેવાલ મુજબ, તેમની પાસે 1500 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ગુરમીત રામ રહીમ સિંહ
રામ રહીમની ગણના આજે પણ દેશના સૌથી ધનિક બાબાઓમાં થાય છે. 1990થી ડેરા સચ્ચા સૌદાના વડા રહેલા રામ રહીમના હજારો ફોલોઅર્સ છે. રામ રહીમ સિંહની અંદાજિત કુલ સંપત્તિ 1455 કરોડ રૂપિયા છે.
આસારામ બાપુ
આસારામ બાપુના વિશ્વભરમાં 350 આશ્રમ અને 17000 બાળ સંસ્કાર કેન્દ્રો છે. 2021ની વાત કરીએ તો, ટ્રસ્ટે કુલ 350 કરોડ રૂપિયાની આવક ઊભી કરી હતી.
સ્વામી નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદે નિત્યાનંદ ધ્યાનપીઠમ ફાઉન્ડેશન શરૂ કર્યું. આ ફાઉન્ડેશન મંદિરો, ગુરુકુલો અને આશ્રમો ચલાવે છે. એક અહેવાલ મુજબ, સ્વામી નિત્યાનંદની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયાની આસપાસ છે.








