શેરબજારમાં શાનદાર તેજી: નિફ્ટીએ ઓલટાઈમ હાઈ સપાટી બનાવી, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો
મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ થયા બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળતો હતો. પરંતુ આજે ટ્રેડિંગ સેશનના અંતિમ દિ

મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ થયા બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળતો હતો. પરંતુ આજે ટ્રેડિંગ સેશનના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 1,200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ઓલટાઈમ હાઈ પહોંચી ગઈ હતી.
બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 1292 પોઇન્ટના વધારા સાથે 81,332ના સ્તરે બંધ થયો હતો.નિફ્ટીએ 24,861ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવ્યા બાદ 428 પોઈન્ટના વધારા સાથે 24,834 પર બંધ થયો.
આ શેરમાં જોવા મળી તેજી
નિફ્ટી ઓલ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 47 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે માત્ર ત્રણ શેરો નુકસાન સાથે બંધ થયા હતા. શ્રીરામ ફાઇનાન્સ 9.18 ટકા,સિપ્લા 5 ટકા, ભારતી એરટેલ 4.50 ટકા, એપોલો હોસ્પિટલ 4.37 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 3.60 ટકા, અદાણી પોર્ટ્સ 3.75 ટકા, વિપ્રો 3.4 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. માત્ર ONGC 1.25 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 0.81 ટકા અને નેસ્લે 0.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો
શેરબજારમાં ઉછાળાના પગલે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7 લાખ કરોડનો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 456.90 લાખ કરોડ પર બંધ થયું.








