શુક્રવારે શેરબજારમાં ગાબડું : સેન્સેક્સ 750થી વધુ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં આ ઘટાડો અમેરિકામાં ફુગાવાના દરમાં વધારો અને કોમોડિટીના ભાવમાં વધારાને કારણે થયો હોય તેમ બજાર નિષ્ણાતોનું માનવું છે.
બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 793 પોઈન્ટ ગગડીને 74,244ના સ્તરે બંધ થયો છે. પરિણામે સેન્સેક્સ 75,000ની અંદર સરકી ગયો છે. જ્યારે નિફ્ટી 234 પોઈન્ટ તૂટીને 22,519ના સ્તરે ક્લોઝ થયો છે.
આ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો
બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ હેલ્થકેર સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ શેરો લીલા નિશાને થયા બંધ
આજના ટ્રેડિંગ સેશનમાં બજાજ ઓટો 0.66 ટકા, ટાટા મોટર્સ 0.49 ટકા, TCS 0.42 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 0.36 ટકા, નેસ્લે 0.34 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.18 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે સન ફાર્મા 3.99 ટકા, મારુતિ સુઝુકી 3.28 ટકા, પાવર ગ્રીડ 2.58 ટકા, ટાઇટન 2.48 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
માર્કેટ કેપ રૂ. 400 લાખ કરોડથી નીચે
શેરબજારમાં ઘટાડાના પગલે શેરબજારની માર્કેટ મૂડીમાં ઘટાડો જોવા મળ્યો છે. BSEના ડેટા અનુસાર, એક્સચેન્જમાં લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 400 લાખ કરોડથી નીચે ઘટીને રૂ. 399.76 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 402.16 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ મૂડીમાં રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો છે.








