શેરબજારના રોકાણકારો લોટરી લાગશે! HAL અને BEL સહિત ડિફેન્સ સેક્ટરના આ 5 સ્ટોક્સ આપશે તગડું ડિવિડન્ડ

Dividend Stocks: શેરબજારની 5 કંપનીઓ આગામી સમયમાં એક્સ-ડિવિડન્ડ (Ex-Dividend) ટ્રેડ કરવા જઈ રહી છે. આ તમામ 5 કંપનીઓ ડિફેન્સ સેક્ટરની છે.
1. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)
આ સરકારી કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીની મીટિંગ 26 જૂને યોજાવા જઈ રહી છે. આ મીટિંગમાં HAL તરફથી ફાઇનલ ડિવિડન્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ શેર દીઠ ₹35નું ડિવિડન્ડ આપ્યું હતું.
2. કોચિન શિપયાર્ડ (Cochin Shipyard)
શિપબિલ્ડિંગ કંપની કોચિન શિપયાર્ડે ₹5ની ફેસ વેલ્યુ ધરાવતા એક શેર પર ₹1.50નું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ હજી સુધી ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ (Record Date) જાહેર કરી નથી.
કંપનીએ આ પહેલા નવેમ્બરમાં ₹3.50નું ડિવિડન્ડ અને જાન્યુઆરીમાં શેર દીઠ ₹4નું ડિવિડન્ડ આપ્યું હતું.
3. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE)
નાણાકીય વર્ષ 2026 માટે કંપનીએ શેર દીઠ ₹6.70નું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે પણ હજી સુધી કોઈ રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. જો આ ડિવિડન્ડને ઉમેરવામાં આવે તો નાણાકીય વર્ષ 2026માં કંપની તરફથી કુલ ₹19.60નું ડિવિડન્ડ આપવામાં આવશે.
4. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ (Mazagon Dock Shipbuilders)
આ સરકારી કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે ₹5ની ફેસ વેલ્યુ ધરાવતા એક શેર પર પાત્ર રોકાણકારોને ₹4.62નું ડિવિડન્ડ આપવામાં આવશે. આ ડિવિડન્ડ માટે પણ હજી સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. જો આ ડિવિડન્ડ મંજૂર થશે, તો રોકાણકારોને પાછલા નાણાકીય વર્ષ માટે શેર દીઠ કુલ ₹18.12નું ડિવિડન્ડ મળશે.
5. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)
કંપની દ્વારા ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા એક શેર પર ₹0.55નું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપની તરફથી હજી સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, જો આ ડિવિડન્ડને મંજૂરી મળશે તો નાણાકીય વર્ષ 2026માં પાત્ર રોકાણકારોને શેર દીઠ કુલ ₹2.50નું ડિવિડન્ડ મળી જશે.
(નોંધ: આ રોકાણ કરવાની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.)

