Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver Rate today: Silver at all-time high, jumps by Rs 5000 in just one day, gold continues to rally

Silver Rate today: ચાંદી ઓલટાઈમ હાઈ, માત્ર એક જ દિવસમાં રૂપિયા 5000નો તોતિંગ ઉછાળો, સોનામાં તેજી યથાવત્

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Silver Rate today: ચાંદી ઓલટાઈમ હાઈ, માત્ર એક જ દિવસમાં રૂપિયા 5000નો તોતિંગ ઉછાળો, સોનામાં તેજી યથાવત્
સોર્સ : GSTV

Silver Rate today:  ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના પગલે કિંમતી ધાતુમાં પુરબહાર તેજી આવી છે. સોના અને ચાંદીમાં સતત અધધ ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગઈકાલે શનિવારે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત રૂ. 5000ના આકર્ષક ઉછાળા સાથે રૂ. 1,45,000 પ્રતિ કિગ્રાના રેકોર્ડ ટોચે પહોંચી હતી. જ્યારે સોનાનો ભાવ ગઈકાલે રૂ. 500 વધી રૂ. 1,18,200 પ્રતિ 10 ગ્રામ થયો હતો. 

App Store

ડોલર ઈન્ડેક્સ તૂટતાં કિંમતી ધાતુમાં તેજી
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 3751થી 3752 ડોલર વધી હાઈમાં ભાવ 3782થી 3783 થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે 3759થી 3760 ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ફરી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરીબજારોમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. દરમિયાન અમદાવાદ ઝવેરીબજારમાં  સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.500 વધી 995ના ભાવ રૂ.117900 તથા 999ના ભાવ રૂ.118200 બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.5000 ઉછળી રૂ.145000 બોલાતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

ઉછાળાનું મોટું કારણ ફેડ રેટ કટ
અમેરિકામાં મોંઘવારી અપેક્ષિત લક્ષ્યાંક કરતાં વધુ નોંધાતાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ કિંમતી ધાતુમાં તેજી જ તેજી છે. વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં સોના અને ચાંદી દરરોજે નવી રેકોર્ડ ટોચ બનાવી રહ્યા છે. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના 45.13થી 47.14 વાળા વધી ઉંચામાં ભાવ 46 ડોલરની સપાટી પાર કરી 46.62થી 46.63 સુધી ઉછળી છેલ્લે ભાવ 46.08થી 46.09 ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષા મુજબ આવતાં ત્યાં હવે ઓક્ટોબર તથા ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટાડા પર રહ્યો હતો.

ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ 0.38 ટકા ઘટી નીચામાં 98.13 થઈ છેલ્લે 98.18 રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે ડોલરના ભાવ રૂ.88.73થી 88.74 આસપાસ શાંત હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી 12 વર્ષની ટોચે પહોંચ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના 1539થી 1540 વાળા વધી 1586 થઈ છેલ્લે ભાવ 1580થી 1581 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ 1255થી 1256 વાળા વધી 1285 થઈ છેલ્લે ભાવ 1265થી 1266 ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર 995ના રૂ.11280 વાળા રૂ.113400 રહ્યા હતા જ્યારે 999ના રૂ.113262 વાળા વધી રૂ.113850 રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.138100 વાળા રૂ.142000 બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ભારત દ્વારા રશિયાથી ક્રૂડતેલની આયાતનો અમેરિકા દ્વારા વિરોધ કરાતાં ઈરાન તથા વેનેઝુએલાથી ક્રૂડતેલની આયાત કરવાની છૂટ આપો એવી રજૂઆત ભારતે અમેરિકાને કર્યાના વાવડ મળ્યા હતા.