સેન્સેક્સ 90 હજારની સપાટીને વટાવશે, નિષ્ણાતોએ લગાવ્યું આ અનુમાન
શેરબજારમાં મંદીના વાદળો દૂર થઈ શકે છે અને આવતા વર્ષે બજાર ફરી એકવાર ગતિ પકડી શકે છે. આઇસ

શેરબજારમાં મંદીના વાદળો દૂર થઈ શકે છે અને આવતા વર્ષે બજાર ફરી એકવાર ગતિ પકડી શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના વિશ્લેષકોનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2025-26 માં કોર્પોરેટ અર્નિંગ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી શકે છે.
ચૂંટણીની અનિશ્ચિતતાનો અંત અને સરકારનું વિકાસલક્ષી બજેટ બજારને મજબૂતી આપી શકે છે. આનાથી નિષ્ક્રિય તેજીનું બજાર જાગૃત થઈ શકે છે અને આગામી 12 મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.
બજારમાં રોકાણ કરવાની સુવર્ણ તક
નિફ્ટી 50 હવે તેની સૌથી ઉપલી સપાટીએથી 12 ટકા જેવો તૂટી ગયો છે. જ્યારે મિડ અને સ્મોલ-કેપ શેરોમાં 15-20%નો ઘટાડો થયો છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનું કહેવું છે કે હવે માર્કેટ વેલ્યુએશન વધુ આકર્ષક બન્યું છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક ઉત્તમ તક છે. વ્યાજદરમાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે, જે ઇક્વિટી માર્કેટને વધુ ટેકો આપે તેવી શક્યતા છે.
સેન્સેક્સ 90,000 અને નિફ્ટી 27,000 સુધી પહોંચી શકે છે
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ પંકજ પાંડેના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2024ના ક્વાર્ટર પછી નિફ્ટી 50ના ઇપીએસ (શેર દીઠ કમાણી) અંદાજમાં લગભગ 4%નો ઘટાડો થયો છે. જો કે, જો PE મલ્ટિપલને સ્થિર રાખવામાં આવે તો નિફ્ટી 27,000 સુધી પહોંચી શકે છે. આ અંદાજ નાણાકીય વર્ષ 2027 માટે રૂ. 1,300ના ઇપીએસ પર આધારિત છે. સેન્સેક્સનો લક્ષ્યાંક પણ 90,000 પર નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે વર્તમાન સ્તરથી લગભગ 19.5% નો વધારો દર્શાવે છે.
મોટા શેરોમાં ઘટાડો, પણ રોકાણની તક
બીએસઇ સેન્સેક્સ 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ 85,571.85 ના રેકોર્ડ સ્તરે હતો, પરંતુ તે પછી તે 12% ઘટ્યો છે. કેટલીક કંપનીઓના શેરમાં ઘટાડો આનાથી પણ વધુ રહ્યો છે.એશિયન પેઇન્ટ્સ 32% અને ટાટા મોટર્સ 31% ડાઉન છે. એસીઇ ઇક્વિટી ડેટા અનુસાર, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી , પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ), અદાણી પોર્ટ્સ, આઇટીસી , નેસ્લે ઇન્ડિયા અને એક્સિસ બેન્ક પણ 28% સુધી ઘટ્યા છે. બજારમાં કરેક્શન બાદ ઘણા બ્લુ-ચિપ શેરો હવે પોષણક્ષમ સ્તરે આવી ગયા છે.
અર્થવ્યવસ્થા સામે પડકારો પણ એટલા જ છે
ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ મજબુત રહી છે. પરંતુ પડકારોનો અંત આવ્યો નથી. આઇડીબીઆઇ કેપિટલના વિશ્લેષકો કહે છે કે આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્ધિના અંદાજમાં ઘટાડો થયો છે, જે સ્પષ્ટ કરે છે કે સ્થાનિક ગ્રાહક માંગમાં સુધારો થવામાં સમય લાગશે. વધુમાં, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે નિકાસ પણ નબળી રહી શકે છે.
રીસર્ચ ડેટા શું કહે છે?
ભારતનો મુખ્ય ક્ષેત્રનો વિકાસ ડિસેમ્બર 2024માં ધીમો પડીને 4% થયો હતો જે ડિસેમ્બર 2023માં 5.1% હતો અને નવેમ્બર 2024માં 4.4% હતો. બજારના વિશ્લેષકો કહે છે કે મોટી કંપનીઓના શેર હવે વાજબી વેલ્યુએશન પર આવી ગયા છે, પરંતુ મિડ અને સ્મોલ-કેપ શેરો હજુ પણ ઓવરવેલ્યુએશનમાં છે.
આઇડીબીઆઇ કેપિટલના નિષ્ણાતો પ્રવીણ બોકાડે અને શુભમ શેલારે તેમના તાજેતરના બજાર અહેવાલમાં જણાવ્યું હતું કે, શેરબજારમાં ઘટાડા બાદ હવે મોટી કંપનીઓના શેર વધુ આકર્ષક બન્યા છે, પરંતુ મિડ અને સ્મોલ-કેપ શેરોમાં હજુ પણ ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે.
તેમનું કહેવું છે કે ભારતીય કંપનીઓની કમાણી આગામી એકથી બે ક્વાર્ટરમાં સ્થિર થઈ શકે છે, એટલે કે વધુ સુધારાની અપેક્ષા રાખી શકાય છે. જો કે, બજાર સામે જે મોટો ખતરો છે તે વૈશ્વિક વેપાર વિવાદો અથવા યુએસ દ્વારા ભારત પર નવા ટેરિફ લાદવાથી આવી શકે છે.








