Sensex today: GST ઘટવાના સંકેતો પછી બજારમાં નવું જોમ આવ્યું: સેન્સેક્સ 676 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24876 પર બંધ

Sensex today: વૈશ્વિક બજારોના સકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે, ભારતીય શેરબજારો સોમવારે (18 ઓગસ્ટ)ના રોજ, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં મજબૂત વધારા સાથે બંધ થયા. જીએસટી દરોમાં ફેરફારના સમાચાર વચ્ચે ઓટો અને કન્ઝ્યુમર શેરોમાં મજબૂત તેજીથી બજારને તેજી મળી. આ ઉપરાંત, નાણાકીય સેવાઓ અને એફએમસીજી શેરોમાં વધારાથી પણ બજાર ઉપર ખેંચાયું.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ વધીને 81,315 પોઈન્ટ પર ખુલ્યો. ખુલતાની સાથે જ તેમાં ઝડપી વધારો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન તેમાં 1100 પોઈન્ટથી વધુનો વધારો થયો. અંતે, તે 676.09 પોઈન્ટ અથવા 0.84 ટકાના વધારા સાથે 81,273.75 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ 24,938 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,022 પોઈન્ટના ઇન્ટ્રા-ડે ઉચ્ચ સ્તરે પહોંચ્યો. અંતે, તે 245.65 પોઈન્ટ અથવા 1 ટકાના વધારા સાથે 24,876 પર બંધ થયો.
આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. 445 લાખ કરોડથી વધીને રૂ. 451 લાખ કરોડથી વધુ થયું. આનાથી રોકાણકારોને એક જ દિવસમાં રૂ. 6 લાખ કરોડનો નફો થયો.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "પ્રસ્તાવિત જીએસટીના ફેરફારોથી સ્થાનિક બજારમાં ઉત્સાહ વધ્યો છે. આ ઉપરાંત, તાજેતરના યુએસ-રશિયા સમિટ કોઈપણ ભૂ-રાજકીય તણાવ વિના પૂર્ણ થયા પછી રોકાણકારોની ચિંતા ઓછી થઈ છે." ઓટોમોબાઈલ ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું અને અપેક્ષિત કર સુધારાઓનો મુખ્ય લાભાર્થી તરીકે ઉભરી આવ્યો. નાણાકીય વર્ષ 25-26ના બીજા ભાગમાં, માંગમાં સુધારો થવાને કારણે વપરાશ આધારિત ક્ષેત્રોમાં થોડો સુધારો જોવા મળશે તેવી અમને અપેક્ષા છે.
ટોપ લૂઝર્સ અને ગેઇનર્સ
સેન્સેક્સની કંપનીઓમાં મારુતિનો શેર સૌથી વધારે નવ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. વાહનો પર જીએસટી સ્લેબ 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યાના સમાચારથી શેરબજારમાં ઉછાળો આવ્યો. બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રા સિમેન્ટ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, ટ્રેન્ટ, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ અને ટાઇટન મુખ્ય વધ્યા હતા.
બીજી તરફ સીગારેટ્સ પ્રોડક્ટ્સ પર જીએસટી વધારે લાગવાની સંભાવનાઓને કારણે આઇટીસીનો શેર સૌથી વધુ ઘટ્યો હતો. સાથે જ એલ એન્ડ ટી ઇટરનલ, ટેક મહીન્દ્રા, એનટીપીસી, ઇન્ફોસિસ અને બીઇએલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
ટોચના નિફ્ટી-50 ઇન્ડેક્સમાં મારુતિ સુઝુકીના શેર સૌથી વધુ વધ્યા, જેમાં 8.76 ટકાનો વધારો થયો. ત્યારબાદ હીરો મોટોકોર્પ 5.87 ટકા, બજાજ ફાઇનાન્સ 5.08 ટકા, નેસ્લે ઇન્ડિયા 5.03 ટકા અને બજાજ ઓટો 4.57 ટકા વધ્યા.
બીજી તરફ, નિફ્ટ-50માં આઇટીસીને સૌથી મોટો ઘટાડો થયો, જેમાં 1.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ પછી, એલડીટીમાં 1.14 ટકાનો ઘટાડો, ઇટરનલ માં 1.1 ટકાનો ઘટાડો, ટેક મહિન્દ્રામાં 1.05 ટકાનો ઘટાડો, એનટીપીસીમાં ૦.98 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1.5 ટકા સુધીનો વધારો થયો હતો. અશોક લેલેન્ડ, બ્લુ સ્ટાર, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, એસ્કોર્ટ્સ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, કેઇસી ઇન્ટરનેશનલ, એમ્બર એન્ટરપ્રાઇઝ, ફાઇઝર અને બાટા ઇન્ડિયા જેવા મુખ્ય શેરોમાં વધારો નોંધાયો હતો.
સેક્ટોરલ મોરચે નિફ્ટી ઓટો ઇન્ડેક્સે ચાર ટકાથી પણ વધુ સુધારો નોંધાવ્યો હતો. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 3.5 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો. જોકે, આઇટી ઇન્ડેક્સ 0.5 ટકાથી વધુ ઘટ્યો હતો.
જીએસટીના સ્લેબ ઘટાડવાના સંકેતથી બજારમાં નવું જોમ આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ડીએસટીના દરોમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ દિવાળી 2025 સુધીમાં નવી પેઢીના જીએસટી સુધારાને લાગુ કરવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે હવે તેમાં પરિવર્તનનો સમય આવી ગયો છે.
આ ઉપરાંત, એસ&પી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું સોવરેન ક્રેડિટ રેટિંગ BBB- થી વધારીને BBB કર્યું છે. આ સાથે, સ્થિર આઉટલુક રાખવામાં આવ્યો છે. છેલ્લા 18 વર્ષમાં પહેલી વાર આ પગલું લેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના કર માળખામાં સુધારાનો પ્રસ્તાવ તેમજ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલ આવકવેરા બિલ દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કર પ્રણાલીમાં મોટા પાયે પરિવર્તન લાવશે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "પ્રત્યક્ષ અને પરોક્ષ કર પ્રણાલીમાં આ એક આમૂલ પરિવર્તન છે. ટેક્સ સ્લેબમાં તમામ આઇટમ-વાર ફેરફારો પર વિચાર કરવા માટે ઓછામાં ઓછી બે બેઠકો યોજાશે."
ઉર્જા ક્ષેત્રમાં હાલની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને, GSTના દાયરામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. જીએસટીના દરોમાં સુધારાના આગામી રાઉન્ડમાં આ અંગે વિચારણા થવાની શક્યતા છે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
સોમવારે એશિયામાં શેરબજારોમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે રશિયન પુરવઠા માટેના જોખમો થોડા ઓછા થતાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
જાપાન અને તાઇવાનના ઇન્ડેક્સ સામાન્ય જોખમ-બંધ મૂડને કારણે રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા, જ્યારે ચાઇનીઝ બ્લુચિપ્સ 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા.
સોમવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.7 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 0.45 ટકા વધ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.23 ટકા ઘટ્યો હતો. દરમિયાન, શુક્રવારે યુએસ શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. વોલ સ્ટ્રીટ પ્રોફિટ બુકિંગમાં ગગડ્યો. એસ&પી 500 ઇન્ડેક્સ 0.3% ઘટ્યો અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ ફ્લેટ બંધ થયો.

