Sensex today: IT શેરોમાં મંદીના કારણે સતત પાંચમાં સત્રમાં ભારતીય શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 555 પોઇન્ટ તૂટ્યો, નિપ્ટી 24890 પર બંધ

Sensex today: એશિયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ગુરુવારે (25 સપ્ટેમ્બર) ભારતીય શેરબજારો સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં નીચા સ્તરે બંધ થયા. શરૂઆતના વેપારમાં અસ્થિરતા પછી, તેઓ રેન્જ-બાઉન્ડ રહ્યા અને લાલ નિશાનમાં ટ્રેડ થયા. યુએસ H-1B વિઝા નિયમો અંગે ચિંતાઓને કારણે IT શેરો દબાણ હેઠળ આવ્યા હતા, જ્યારે ઓટો સહિત અન્ય ક્ષેત્રોમાં નફા-બુકિંગને કારણે બજાર નીચે પડ્યું હતું. જીએસટી સુધારા અને તહેવારોની મોસમ છતાં, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી બજારના વિકાસની આશાઓને ધૂંધળી બનાવી રહી છે.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઘટીને ૮૧,૫૭૪ પર ખુલ્યો. ખુલતા જ તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન તે ૮૧,૦૯૨ સુધી નીચે ગયો હતો. અંતે તે ૫૫૫.૯૫ પોઈન્ટ અથવા 0.68 ટકા ઘટીને ૮૧,૧૫૯.૬૮ પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 25,034 પર નીચા સ્તરે ખુલ્યો, પરંતુ 25,000ના સ્તરને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો. તે આખરે 166.05 પોઈન્ટ અથવા 0.66 ટકા ઘટીને 24,890.85 પર બંધ થયો.
મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેવું જ પ્રદર્શન કર્યું. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.71 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.74 ટકા ઘટ્યો.
આ સમયગાળા દરમિયાન, બીએસઇ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂપિયા 460.5 લાખ કરોડથી ઘટીને આશરે રૂપિયા 457.4 લાખ કરોડ થયું. આના પરિણામે રોકાણકારોને એક જ દિવસમાં રૂપિયા 3 લાખ કરોડનું નુકસાન થયું.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે તેજી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરમાં જોવા મળી, આ શેરના ભાવમાં 1.95 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, હીરો મોટોકોર્પમાં 1.47 ટકા, એક્સિસ બેંકમાં 0.67 ટકા, હિન્દાલ્કોમાં 0.63 ટકા, ONGCમાં 0.49 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી ૫૦ કંપનીઓમાં, ટ્રેન્ટના શેરમાં સૌથી વધુ 3.16 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ પાવર ગ્રીડના શેરમાં 3.04 ટકા, ટાટા મોટર્સમાં 2.74 ટકા, ટીસીએસમાં 2.57 ટકા અને એશિયન પેઇન્ટ્સમાં 2.17 ટકાનો ઘટાડો થયો હતો.
રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
સેન્સેક્સની કંપનીઓમાં પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, એટરનલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કોટક બેંકના શેરમાં ૩% સુધીનો ઘટાડો થયો હતો.
બ્રોડર માર્કેટની વાત કરવામાં આવે તો નિફ્ટી મીડ કેપ ઇન્ડેક્સમાં 0.64 ટકા, અને નિફ્ટી સ્મોલ કેપમાં 0.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બધા ક્ષેત્રોમાં, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સતત બીજા દિવસે સૌથી વધુ ઘટાડો દર્શાવે છે, જે 1.65% ઘટીને બંધ થયો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પણ 0.9% ઘટ્યો હતો. જોકે, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એકમાત્ર ક્ષેત્રીય લાભકર્તા હતો, જેમાં 0.22%નો સામાન્ય વધારો નોંધાયો હતો.
વૈશ્વિક બજારોની સ્થિતિ
એશિયાઇ બજારોની ગુરીવારની શરૂઆત મિશ્ર રહી હતી. વોલ સ્ટ્રીટ પર એનવિડિયા અને ઓરેકલ જેવા મુખ્ય ટેક શેરોમાં સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં પ્રતિક્રિયા જોવા મળી હતી. જાપાનનો Nikkei 225 ઇન્ડેક્સ લગભગ 0.1 ટકા ઘટ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો Kospi ઇન્ડેક્સ 0.25 ટકા ઘટ્યો હતો.
બુધવારે સતત બીજા દિવસે પણ યુએસ શેરબજારોમાં ઘટાડો થયો હતો. રોકાણકારોએ નફો બુક કરાવ્યો હોવાથી મુખ્ય સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યા હતા. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ટિપ્પણી કર્યા પછી આ ઘટાડો આવ્યો હતો. જેમાં એમણે શેરોનું વેલ્યુએશન વધુ પડતું બતાવ્યું હતું. વધુમાં, સપ્તાહના અંતે ફુગાવાના અહેવાલે રોકાણકારો પર પણ ભાર મૂક્યો. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.33 ટકા, S&P 500 0.28 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ 0.37 ટકા નીચે બંધ થયો.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "ભારતીય બજારોએ સતત પાંચમા સત્રમાં ઘટાડો ચાલુ રાખ્યો હતો. રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કર્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને ભારત-અમેરિકા વેપાર સોદાને લગતી અનિશ્ચિતતા આ ઘટાડા પાછળના મુખ્ય કારણો હતા. આનાથી બીજા ક્વાર્ટરમાં (Q2) જીડીપી વૃદ્ધિ પર અસર થવાની ધારણા છે."
તેમણે કહ્યું, "બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી. ખાસ કરીને, ઓટો, આઇટી, ફાર્મા અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.જોકે, ધાતુ ક્ષેત્રે ચીન તરફથી પ્રવાહિતા સપોર્ટ અને તાંબાના પુરવઠા અંગે ચિંતાઓ પર રોક લગાવી દીધી હતી. એકંદરે, રોકાણકારો હાલ માટે સાવધ રહે છે. ભારતની 2026ના નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં ઉધાર યોજના અને મુખ્ય યુએસ આર્થિક ડેટા અઠવાડિયાના અંતમાં આવવાના છે."

