ડૉલર સામે રૂપિયો 106 સુધી ગગડવાની શક્યતા; ભારતીય કરન્સીમાં મોટા કડાકાના એંધાણ

ભારતીય રૂપિયામાં તાજેતરમાં જોવા મળેલી મજબૂતી વચ્ચે હવે ફરી મોટો ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક્સિસ બેંક રિસર્ચના અંદાજ મુજબ, ડિસેમ્બર 2027 સુધીમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો 102ના સ્તરે પહોંચી શકે છે. જ્યારે ડિસેમ્બર 2028 સુધીમાં તે વધુ નબળો પડીને 106 સુધી ગગડી શકે છે. જો આ અંદાજ સાચા સાબિત થાય તો ભારતના અર્થતંત્રથી લઈને સામાન્ય લોકોના બજેટ સુધી તેની અસર જોવા મળી શકે છે.
માર્ચ 2027 સુધી રૂપિયો 99 સુધી પહોંચવાનો અંદાજ
એક્સિસ બેંક રિસર્ચે મંગળવારે જાહેર કરેલા 'ધ મિડલ (કિંગડમ) પાથ' નામના રિપોર્ટમાં ભારતીય ચલણ અંગે પોતાનો અગાઉનો અંદાજ યથાવત રાખ્યો છે. રિપોર્ટ અનુસાર, માર્ચ 2027 સુધીમાં ડૉલર સામે રૂપિયો 97થી 99 અને જૂન 2027 સુધીમાં 98થી 100ના સ્તરે પહોંચી શકે છે. આગળ જતાં ડિસેમ્બર 2027 સુધીમાં રૂપિયો 102 અને ડિસેમ્બર 2028 સુધીમાં 106 સુધી નબળો પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.નકશા જુઓ
રૂપિયામાં ઘટાડાની પાછળનાં કારણો શું?
એક્સિસ બેંકના રિપોર્ટ પ્રમાણે, રૂપિયામાં તાજેતરમાં આવેલી મજબૂતીથી થોડા સમય માટે રાહત મળી શકે છે, પરંતુ ભારતના બાહ્ય ક્ષેત્ર પર રહેલા માળખાકીય દબાણને કારણે લાંબા ગાળે રૂપિયો નબળો પડી શકે છે. રિપોર્ટમાં મૂડીના બહાર જતા પ્રવાહ અને વિદેશી હૂંડિયામણના ભંડારને ફરી મજબૂત બનાવવાની જરૂરિયાતને મહત્ત્વનાં કારણો ગણાવવામાં આવ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) રૂપિયાના ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવા સતત હસ્તક્ષેપ કરી રહી છે. જોકે, તેના કારણે અસરકારક વિદેશી હૂંડિયામણના ભંડાર પર દબાણ આવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ ઉપરાંત, લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ દર મહિને અંદાજે 2થી 3 અબજ ડૉલર અને વિદેશમાં સીધા રોકાણ (ODI) મારફતે આશરે 3 અબજ ડૉલરનો મૂડીપ્રવાહ દેશની બહાર જઈ રહ્યો હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે.
તાજેતરમાં 37 પૈસા મજબૂત થયો હતો રૂપિયો
લાંબા સમયથી ઘટાડાનો સામનો કરી રહેલા રૂપિયામાં તાજેતરમાં સુધારો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયો 37 પૈસા મજબૂત થયો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં વધારો, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો અને ડૉલરની સ્થિરતાને આ સુધારા પાછળનાં કારણો ગણાવવામાં આવ્યાં હતાં. NSDLના આંકડા અનુસાર, ગત સપ્તાહે વિદેશી પોર્ટફોલિયો રોકાણનો ચોખ્ખો પ્રવાહ આશરે 2 અબજ ડૉલર રહ્યો હતો. બીજી તરફ, અમેરિકાની 10 વર્ષીય ટ્રેઝરી યીલ્ડ ઘટીને લગભગ 4.9 ટકા થઈ હતી. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 105 ડૉલરના સ્તરે પહોંચ્યું હતું.
રૂપિયો નબળો પડવાથી સામાન્ય લોકોને શું અસર થશે?
ડૉલર સામે રૂપિયો નબળો પડે ત્યારે ભારતે વિદેશમાંથી ખરીદવી પડતી વસ્તુઓ અને સેવાઓ મોંઘી થાય છે. તેની સીધી અસર આયાત ખર્ચ અને સામાન્ય લોકોના બજેટ પર પડી શકે છે.
વિદેશમાં અભ્યાસ મોંઘો થશે: જો કોઈ વિદ્યાર્થીને વિદેશમાં અભ્યાસ માટે 50,000 ડૉલર ખર્ચવાના હોય તો ડૉલરનો ભાવ 95 રૂપિયા હોય ત્યારે આ ખર્ચ 47.50 લાખ રૂપિયા થાય છે. પરંતુ ડૉલરનો ભાવ 102 રૂપિયા થાય તો આ જ ખર્ચ વધીને 51 લાખ રૂપિયા થશે. એટલે કે વિદ્યાર્થીના પરિવારને 3.50 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ: ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે અને તેની ચુકવણી ડૉલરમાં થાય છે. રૂપિયો નબળો પડતાં તેલની આયાત મોંઘી થઈ શકે છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ વધી શકે છે.
મોંઘવારી વધવાનું જોખમ: ડીઝલ મોંઘું થવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ વધી શકે છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા રહે છે.
વિદેશ પ્રવાસ અને આયાતી વસ્તુઓ મોંઘી થશે: વિદેશ પ્રવાસ, હોટેલ બુકિંગ, વિદેશી યુનિવર્સિટીની ફી અને ઇલેક્ટ્રોનિક્સ સહિતની આયાતી વસ્તુઓ માટે વધુ રૂપિયા ખર્ચવા પડી શકે છે.
આમ, એક્સિસ બેંક રિસર્ચના અંદાજ મુજબ રૂપિયો આગામી બે વર્ષમાં વધુ નબળો પડી શકે છે. જો આવું થાય તો વિદેશી ચુકવણીથી લઈને પેટ્રોલ-ડીઝલ અને રોજિંદા જીવનના ખર્ચ સુધી તેની અસર જોવા મળી શકે છે.








