શેરબજારની સુનામીમાં વહી ગઈ અદાણી- અંબાણીની સંપત્તિ, અબજોપતિની રેન્કિંગ સાથે નેટવર્થ ઘટી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં મો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો થયો હતો. સેન્સેક્સ 1770 પોઈન્ટ અને નિફ્ટી 546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. આ દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં કડાકાને પગલે ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી-ગૌતમ અદાણીના રેન્કિંગ પર પણ અસર પડી છે. બંને ભારતીય અબજોપતિઓની નેટવર્થમાં કેટલો ઘટાડો થયો છે.
શેરબજારમાં સતત ઊંચાઈ બાદ ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો હતો. જેમાં આ અઠવાડિયે આ સતત બીજી વખત RILનો શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ 30 સપ્ટેમ્બરે 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને પગલે મુકેશ અંબાણીની નેટવર્થની સાથે સાથે તેમના રેન્કિંગ પર પણ અસર પડી છે. 36 હજાર કરોડ રૂપિયાથી વધુના ઘટાડા બાદ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 107 અબજ ડોલર પર આવી ગઈ છે. આ સાથે તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાન નીચે આવી ગયા છે. વિશ્વના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 14મા સૌથી અમીર વ્યક્તિ છે.
ગૌતમ અદાણીને પણ મોટો ફટકો પડ્યો
શેરબજારની સુનામીમાં રિલાયન્સની સાથે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેર પણ વહેતા જોવા મળ્યા હતા. અદાણી ગ્રીન એનર્જી શેર 4.09 ટકા ઘટીને રૂ. 1807.80 પર બંધ થયો, જ્યારે અદાણી પોર્ટનો શેર લગભગ 3 ટકા ઘટીને રૂ. 1426.05 પર બંધ થયો. શેરોમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ 2.93 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 24,600 કરોડ ઘટીને 100 બિલિયન ડોલર થઈ અને તેઓ 14માં સ્થાનેથી 17માં સ્થાને આવી ગયા.
ગુરૂવારે બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 1,769 પોઈન્ટના ઘટાડા સાથે 82,497 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 546 પોઈન્ટ ગગડીને 25,250ની સપાટીએ બંધ થયો હતો. આમ સેન્સેક્સ ફરી એકવાર 83,000 અંદર આવી ગયો છે.
આ શેર લાલ અને લીલા નિશાને થયા બંધ
શેરબજારમાં ઘટાડામાં વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમનો શેર 6.71 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, આ સિવાય ડાબર ઈન્ડિયા 6.27 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 5.57 ટકા, પાવર ફાઇનાન્સ 5.37 ટકા, ડીએલએફ 5.35 ટકા, બીપીસીએલ 5.27 ટકા ઘટીને બંધ થયા હતા. જ્યારે વધતા શેરોમાં પેટ્રોલનેટ એલએનજી 5.91 ટકા, જિંદાલ સ્ટીલ 1.52 ટકા અને મેરિકો 0.78 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
આ કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો
વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. આ સિવાય ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.








