ભારતે 'રતન' ગુમાવ્યુંઃ ટાટામાં સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત, પછી કંપનીને બનાવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ
Ratan Tata: રતન ટાટા નામને કોઈ ઓળખની જરૂર નથી. ભારતના દિગ્ગજ ઉદ્ય

Ratan Tata: રતન ટાટા નામને કોઈ ઓળખની જરૂર નથી. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક આદર્શ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ હતા. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમણે ટાટાને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી.
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937ના રોજ નવલ અને સુનુ ટાટાના ઘરે થયો હતો. તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને ટાટા જૂથમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રતન ટાટાના માતા સોની ટાટા ગૃહિણી હતી.
1962માં ટાટા ગ્રુપમાં સહાયક તરીકે જોડાયા
રતન ટાટા 1962માં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં સહાયક તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા. બાદમા તે જ વર્ષે, તેમણે ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની (હવે ટાટા મોટર્સ તરીકે ઓળખાય છે)ના જમશેદપુર પ્લાન્ટમાં છ મહિનાની તાલીમ લીધી. વિવિધ કંપનીઓમાં સેવા આપ્યા બાદ, તેઓ 1971માં નેશનલ રેડિયો અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીના ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા. 1981માં, તેમને ટાટા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે જૂથની અન્ય હોલ્ડિંગ કંપની છે.
તેઓ 1991થી ડિસેમ્બર 28, 2012ના રોજ તેમની નિવૃત્તિ સુધી ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન હતા. આ સમયગાળા દરમિયાન, તેઓ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજિસ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિતની મોટી ટાટા કંપનીઓના ચેરમેન હતા. તેઓ ભારત અને વિદેશની વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. રતન ટાટા મિત્સુબિશી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેઝના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં પણ હતા. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મેનેજમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા. તેમણે કોર્નેલ યુનિવર્સિટી અને દક્ષિણી કેલિફોર્નિયાના યુનિવર્સિટી ટ્રસ્ટીઓના બોર્ડમાં પણ સેવા આપી હતી.
રતન ટાટાની સિદ્ધિઓ:
1. 1991-2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન તરીકે સેવા આપી.
2. જગુઆર લેન્ડ રોવરની ખરીદી (2008).
3. કોરસ પરચેઝ (2007).
4. ટાટા સ્ટીલની વૈશ્વિક પહોંચ વધારવી.
5. ટાટા મોટર્સની સફળતા.
6. Tata Consultancy Services (TCS) ની વૈશ્વિક પહોંચનો વિસ્તાર કરવો.
7. ટાટા ગ્રુપની વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુમાં વધારો.
રતન ટાટાના મુખ્ય પુરસ્કારો અને સન્માનો:
1. પદ્મ વિભૂષણ (2008)
2. પદ્મ ભૂષણ (2000)
3. ઓનરરી નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (2009)
4. ઈન્ટરનેશનલ હેરિટેજ ફાઉન્ડેશનનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (2012)
પરોપકાર અને સામાજિક કાર્ય:
રતન ટાટાની તેમના પરોપકારી અને સામાજિક સેવા કાર્ય માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ, ટાટા ટ્રસ્ટ અને ટાટા ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને તકનીકી નવીનતાઓના ક્ષેત્રોમાં મોટું યોગદાન આપ્યું છે. કેટલીક મુખ્ય પહેલ આ રીતે છે:
શિક્ષણમાં યોગદાન-
રતન ટાટા માને છે કે શિક્ષણ એ સમાજના વિકાસની ચાવી છે. તેમણે દેશભરમાં શાળાઓ અને કોલેજોની સ્થાપનામાં યોગદાન આપ્યું છે. તેમણે અનેક શિષ્યવૃત્તિઓ પણ શરૂ કરી જેનો લાખો વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.
આરોગ્ય સેવા-
ટાટા ટ્રસ્ટોએ ઘણી આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલોમાં રોકાણ કર્યું છે. તેમણે કેન્સર સંશોધન, એઇડ્સની સારવાર અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ સુધારવામાં વિશેષ કાર્ય કર્યું છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) જેવી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓને સપોર્ટ કરે છે.
પ્રેમમાં પડ્યા પછી પણ જીવનભર અપરિણીત રહ્યા
રતન ટાટા આખી જિંદગી અપરિણીત રહ્યા. તેઓ ચાર વખત લગ્ન કરવાની નજીક આવ્યા હતા, પરંતુ વિવિધ કારણોસર લગ્ન કરી શક્યા નહોતા. તેમણે એકવાર સ્વીકાર્યું હતું કે જ્યારે તેઓ લોસ એન્જલસમાં કામ કરી રહ્યા હતા, ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા. પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે યુવતીના માતા-પિતા તેને ભારત મોકલવાના વિરોધમાં હતા. જે પછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.
કોલેજના દિવસોમાં પ્લેન ઉડાવવાનું ભૂત થયું હતું સવાર
રતન ટાટાનું ઉચ્ચ શિક્ષણ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી થયું હતું, જ્યાં તેમણે આર્કિટેક્ચરની ડિગ્રી લીધી હતી. તે દિવસો દરમિયાન રતન ટાટાને વિમાન ઉડાવવામાં રસ પડ્યો. એ દિવસોમાં અમેરિકામાં એવા સેન્ટરો ખૂલી ગયા હતા જેમાં ફી ભરીને ઉડ્ડયનની સુવિધા મળતી હતી. તેમને પોતાનો શોખ પૂરો કરવાની સુવર્ણ તક મળી. સમસ્યા માત્ર પૈસાની હતી, કારણ કે તે સમયે તેમને ફી ભરવા માટે પૂરતા પૈસા નહોતા મળતા. પ્લેન ઉડાવવાની ફી કમાવવા માટે તેમણે ઘણી નોકરીઓ કરી. આ સમય દરમિયાન, તેમણે થોડો સમય રેસ્ટોરન્ટમાં ડીશ વોશર તરીકે પણ કામ કર્યું.
રતન ટાટા તેમના પરોપકાર માટે વિદેશમાં પ્રખ્યાત હતા
રતન ટાટા તેમના પરોપકાર માટે પણ જાણીતા છે. ટાટા ગ્રૂપે, રતન ટાટાના નેતૃત્વ હેઠળ, ભારતમાં સ્નાતક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કોર્નેલ યુનિવર્સિટી ખાતે $28 મિલિયન ટાટા શિષ્યવૃત્તિ ફંડની સ્થાપના કરી. 2010 માં, ટાટા ગ્રૂપે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ (HBS) ખાતે એક્ઝિક્યુટિવ સેન્ટર બનાવવા માટે $50 મિલિયનનું દાન આપ્યું હતું, જેને ટાટા હૉલ નામ આપવામા આવ્યું. 2014 માં, ટાટા જૂથે IIT-બોમ્બેને રૂ. 95 કરોડનું દાન આપ્યું હતું અને મર્યાદિત સંસાધનો ધરાવતા લોકો અને સમુદાયોની જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન અને એન્જિનિયરિંગ સિદ્ધાંતો વિકસાવવા માટે ટાટા સેન્ટર ફોર ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (TCTD) ની રચના કરી હતી.








