Business: સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા વચ્ચે PMI 59ની નજીક

ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (PMI) જે સપ્ટેમ્બરમાં 60.90 રહ્યો હતો તે ઓકટોબરમાં સાધારણ ઘટી 58.90 જોવા મળ્યો છે. માંગમાં સ્થિતિસ્થાપકતા અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST)માં ઘટાડાને પરિણામે PMIનું સ્તર એકંદરે મજબૂતાઈથી જળવાઈ રહ્યું છે. ઓકટોબરનો PMI વર્તમાન વર્ષના મે મહિના બાદ નીચી સપાટીએ રહ્યો છે, પરંતુ 50ના સ્તરથી તે ઘણો જ ઊંચો છે.
PMI સર્વે રિપોર્ટ અનુસાર
S&P ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા HSBC ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેક્સ (PMI) સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે GSTમાં રાહતને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિને ટેકો મળી રહ્યો છે. પરંતુ સ્પર્ધા અને વરસાદને કારણે તેની વિસ્તરણ ગતિ ધીમી પડી હતી. 50થી ઉપરના PMIને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સેવા ક્ષેત્રના PMIની લાંબા ગાળાની સરેરાશ 54.30 રહી છે, જેની સરખામણીએ ઓકટોબરનો PMI નોંધપાત્ર રીતે ઊંચો છે.
GSTમાં સુધારાને કારણે ભાવનું દબાણ ઘટ્યું
કાચા માલના ખર્ચમાં વધારો 14 મહિનાની નીચી સપાટીએ રહ્યો છે, જેથી સેવા પૂરી પાડતી કંપનીઓને રાહત થઈ હતી. બીજી બાજુ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળી સંયુકત PMI જે સપ્ટેમ્બરમાં 61 રહ્યો હતો તે ઓકટોબરમાં સહેજ ઘટી 60.40 જોવા મળ્યો છે.
નવા બિઝનેસ ઓર્ડરમાં વધારાની ગતિ પણ પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે. GSTમાં સુધારાને કારણે ભાવનું દબાણ ઘટાડવામાં મદદ મળી છે. સેવા પૂરી પાડવા પાછળના ખર્ચમાં વધારો સાત મહિનાના નીચા સ્તરે જોવા મળ્યો છે.
કર્મચારીઓની ભરતીમાં વધારો
સેવા પૂરી પાડવા માટે સમયમર્યાદા જળવાઈ રહે તેની ખાતરી રાખવા કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં વધારો કર્યો હતો. જો કે કર્મચારીઓની ભરતીની માત્રા 18 મહિનાના નીચા સ્તરે રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કર્મચારીઓની ભરતીમાં વધારાને કારણે બાકી પડેલા ઓર્ડર પૂરા કરવામાં મદદ મળી હોવાનું પણ કંપનીઓ દ્વારા જણાવાયું હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અનિશ્ચિતતા વચ્ચે પણ સેવા પૂરી પાડતી કંપનીઓને ભાવિ વેપાર પ્રવૃત્તિ માટે આશાવાદ જળવાઈ રહ્યો છે. માંગમાં મજબૂતાઈ તથા સ્પર્ધાત્મક ભાવ પૂરા પાડવાના વ્યૂહને કારણે આશાવાદ મજબૂત રહેવા પામ્યો છે. સેવા ક્ષેત્રના PMIમાં ઘટાડાને પરિણામે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત PMI સહેજ નબળો રહેવા પામ્યો છે.

