GST ચોરીમાં મુંબઈ-દિલ્હી ટોચ પર, ઈન્ટેલિજન્સ વિભાગે આ રીતે કરી શોધ્યું એક વર્ષમાં રૂ. 2 લાખ કરોડનું કૌભાંડ
GST ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ DGGIએ નાણાકીય વ

GST ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ DGGIએ નાણાકીય વર્ષ 2023-24માં 2.01 લાખ કરોડ રૂપિયાની GST ચોરી સંબંધિત 6,084 કેસ શોધી કાઢ્યા છે. આ રકમ 2022-23 દરમિયાન 4,872 કેસોમાં મળી આવેલ રૂ. 1.01 લાખ કરોડની GST ચોરી કરતાં બમણી છે. તપાસ દરમિયાન, ઓનલાઈન ગેમિંગ, BFSI સેવાઓ અને મેટલ બિઝનેસ કરચોરી માટે સૌથી વધુ સંવેદનશીલ ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા છે. આ સિવાય 2023-24માં રૂ. 26,605 કરોડનો સ્વૈચ્છિક કર ચૂકવવામાં આવ્યો હતો, જે 2022-23માં રૂ. 20,713 કરોડથી વધુ છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઈન્ટેલિજન્સ (DGGI)ના વાર્ષિક અહેવાલ મુજબ, કરચોરીના લગભગ 46 ટકા કેસ કરની ચૂકવણી ન કરવા (ગુપ્ત પુરવઠા અને ઓછા મૂલ્યાંકન દ્વારા) સંબંધિત છે.
20 ટકા કેસ નકલી ઇનપુટને કારણે
આ સિવાય 20 ટકા કેસો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સાથે સંબંધિત છે અને 19 ટકા કેસ ITCનો ખોટો લાભ લેવાથી સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2023-24 દરમિયાન ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં 78 કેસમાં 81,875 કરોડ રૂપિયાની મહત્તમ કરચોરી મળી આવી હતી. આ પછી, બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્રમાં 171 કેસોમાં 18,961 કરોડ રૂપિયાની કરચોરી શોધી કાઢવામાં આવી હતી.
આયર્ન, કોપર, સ્ક્રેપ અને એલોય સેક્ટરમાં જીએસટી ચોરીના 1,976 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા, જેના પરિણામે રૂ. 16,806 કરોડની કરચોરી થઈ હતી. પાન મસાલા, તમાકુ, સિગારેટ અને બીડી ઉદ્યોગોમાં 212 કેસોમાં 5,794 કરોડ રૂપિયાની કરચોરી નોંધાઈ હતી.
ટોચ પર મુંબઈ-દિલ્હી
નાણાકીય વર્ષ 2023-24માં મુંબઈમાં સૌથી વધુ 70,985 કરોડ રૂપિયાની GST ચોરી મળી આવી છે. રાજધાની દિલ્હી આ યાદીમાં બીજા સ્થાને છે. દિલ્હીમાં 18,313 કરોડની ચોરી ઝડપાઈ છે અને પુણેમાં 17,328 કરોડની ચોરી ઝડપાઈ છે. આ પછી ગુરુગ્રામમાં 15,502 કરોડ રૂપિયા અને હૈદરાબાદમાં 11,081 કરોડ રૂપિયાની GST ચોરી પકડાઈ છે.






