અમૂલ બાદ વધુ એક ડેરીએ કર્યો દૂધના ભાવમાં વધારો, આજથી જ લાગૂ થશે નવી કિંમત
ચૂંટણી સમાપ્ત થયાને હજી બે દિવસ પણ નથી થયા અને લોકો પર મોંઘવારીની અસર થવા લાગી છે.

ચૂંટણી સમાપ્ત થયાને હજી બે દિવસ પણ નથી થયા અને લોકો પર મોંઘવારીની અસર થવા લાગી છે. મોંઘવારીનો પહેલો ફટકો દૂધ પર પડ્યો છે. પહેલા અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી અને હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.
આજથી લાગૂ થશે નવા ભાવ
ડેરી બ્રાન્ડ મધર ડેરીએ સોમવારે કહ્યું કે, તેણે તેના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મધર ડેરીના દૂધના ભાવમાં થયેલો આ વધારો આજથી એટલે કે 3 જૂન, 2024થી લાગૂ થઈ ગયા છે. આ વધારા બાદ મધર ડેરીના લગભગ તમામ દૂધના ભાવ વધી ગયા છે.
15 મહિના પછી વધાર્યા ભાવ
મધર ડેરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 મહિનામાં ખર્ચમાં થયેલા વધારાને કારણે તેણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દૂધના વધેલા ભાવ મધર ડેરીના તમામ બજારોમાં લાગૂ થશે. મધર ડેરીનું કહેવું છે કે, આ પગલાથી તેને ઉત્પાદન ખર્ચના સતત વધી રહેલા બોજને ઘટાડવામાં મદદ મળશે, જે તેને છેલ્લા એક વર્ષથી પરેશાન કરી રહી છે.
આ વધારા બાદ મધર ડેરીના દૂધના નવા ભાવ
ફુલ ક્રીમ મિલ્કઃ 68 રૂપિયા પ્રતિ લિટર
ટોન્ડ મિલ્કઃ 56 રૂપિયા પ્રતિ લિટર
ડબલ ટોન્ડ મિલ્કઃ 50 રૂપિયા પ્રતિ લિટર
ભેંસનું દૂધ: 72 રૂપિયા પ્રતિ લિટર
ગાયનું દૂધ: 58 રૂપિયા પ્રતિ લિટર
ટોકન મિલ્કઃ 54 રૂપિયા પ્રતિ લિટર
અમૂલે કર્યો આટલો વધારો
આ પહેલા અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલે એક દિવસ પહેલા રવિવારે ભાવ વધારાની જાહેરાત કરી હતી. અમૂલ દૂધના વિવિધ વેરિઅન્ટના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજથી એટલે કે સોમવાર, 3 જૂનથી અમલમાં આવ્યો છે. આ વધારા બાદ અમૂલ ભેંસનું દૂધ, અમૂલ ગોલ્ડ મિલ્ક અને અમૂલ શક્તિ દૂધના ભાવ અનુક્રમે 72 રૂપિયા, 66 રૂપિયા અને 60 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
આ મહિને પૂરી થઈ ચૂંટણી
અમૂલ અને મધર ડેરી જેવી મોટી ડેરી બ્રાન્ડ્સ દ્વારા દૂધના ભાવમાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે.








