યુદ્ધનો ખતરો જોઈને એરલાઈન્સે બદલ્યા પોતાના રૂટ, જાણો કઈ-કઈ ફ્લાઈટને થઈ અસર
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધન

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. યુદ્ધના ભયને કારણે હવાઈ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ઘણી એરલાઈન્સે ઈરાન અને ઈઝરાયેલથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. જો ટૂંક સમયમાં કોઈ ઉકેલ ન આવ્યો તો વિશ્વની અનેક અગ્રણી એરલાઈન્સ પર આ વિવાદની નકારાત્મક અસર પડી શકે છે. એર ઈન્ડિયા અને ક્વાન્ટાસ એરવેઝે નિર્ણય લીધો છે કે, તેઓ હાલ ઈરાનની એરસ્પેસનો ઉપયોગ નહીં કરે. આ સિવાય લુફ્થાન્સા એરલાઈને પણ તેહરાનની ફ્લાઈટ બંધ કરી દીધી છે.
એર ઈન્ડિયાએ ઈરાનની એરસ્પેસથી અંતર સાધ્યું
ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અનુસાર, એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટે શનિવારે ઈરાનની એરસ્પેસથી અંતર સાધ્યું અને લાંબો રસ્તો લીધા પછી તેના ગંતવ્ય સ્થાને પહોંચી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયાની યુરોપની ફ્લાઈટ્સને હવે લાંબા રૂટને કારણે 45 મિનિટ વધુ ઉડાન ભરવી પડશે. જોકે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મિડલ ઈસ્ટની ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં. ગાઝા યુદ્ધને કારણે એર ઈન્ડિયાએ 5 મહિનાથી તેલ અવીવ માટે ફ્લાઈટ ઉડાવી ન હતી. તેની શરૂઆત તાજેતરમાં કરવામાં આવી હતી.
લુફ્થાન્સાની ફ્લાઇટ નહીં જાય તેહરાન
બીજી તરફ જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 6 એપ્રિલથી તેહરાન જતી અને આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની પેટાકંપની ઓસ્ટ્રિયન એરલાઈન્સે પણ સ્પષ્ટ કર્યું છે કે, અત્યારે તેઓ ઈરાનની એરસ્પેસનો ઉપયોગ નહીં કરે. લુફ્થાન્સા એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે, મિડલ ઈસ્ટના તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્વાન્ટાસ એરવેઝે પણ કરી ફ્લાઈટ્સ ડાયવર્ટ
આ ઉપરાંત, ક્વાન્ટાસ એરવેઝે મિડલ ઈસ્ટની એરસ્પેસનો ઉપયોગ ન કરવા માટે તેની ઘણી ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરી છે. તેની પર્થથી લંડનની ફ્લાઈટ હવે સિંગાપોર થઈને ઉડાન ભરશે. આ ફ્લાઇટ હવે સિંગાપોરમાં આગામી થોડા દિવસો માટે ફ્યુઅલ સ્ટોપ લેશે. ક્વાન્ટાસ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.






