મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ભ્રામક જાહેરાતો અંગે સરકારે જારી કરી ગાઇડલાઇન, હવે આપવું પડશે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી, રેડિયો અને પ્રિન્ટ પર

ભ્રામક જાહેરાતો અંગે સરકારે જારી કરી ગાઇડલાઇન, હવે આપવું પડશે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી, રેડિયો અને પ્રિન્ટ પર બતાવવામાં આવતી જાહેરાતો અંગે માર્ગદર્શિકા જારી કરી છે. હવે તમામ જાહેરાતકર્તાઓએ સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ જારી કરવાનું રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભ્રામક જાહેરાતો સામે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, 18 જૂનથી ટીવી, પ્રિન્ટ, ડિજિટલ અને રેડિયો પર બતાવવામાં આવતી અને પસંદ કરાયેલી તમામ જાહેરાતોએ સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ આપવું પડશે. મંત્રાલયે કહ્યું કે, ટીવી, પ્રિન્ટ, ડિજિટલ અને રેડિયો પર તમામ નવી જાહેરાતો માટે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે ઉદ્યોગ સંસ્થાઓએ આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં વ્યવહારિક મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉઠાવાયું પગલું

આ અનિવાર્યતા સુપ્રીમ કોર્ટના સાત મેના આદેશ બાદ આવી છે . કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ જાહેરાતકર્તાઓ અને તેમની એજન્સીઓએ કોઈપણ જાહેરાત પ્રકાશિત અથવા પ્રસારિત કરતા પહેલા સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. કોર્ટે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ વગર જાહેરાતો પ્રસારિત કે પ્રકાશિત ન કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ દ્વારા જાણવા મળે છે કે જાહેરાત ગેરમાર્ગે દોરતી નથી અને મંત્રાલય દ્વારા જારી કરાયેલ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું છે, જાહેરાતકર્તાઓએ તેમના રેકોર્ડ માટે સંબંધિત બ્રોડકાસ્ટર અથવા પ્રકાશકને સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનો પુરાવો આપવો પડશે.

એક્ટિવ થયું પોર્ટલ

મંત્રાલયે ટીવી અને રેડિયો જાહેરાતો માટે તેના બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ પોર્ટલ અને પ્રિન્ટ અને ડિજિટલ જાહેરાતો માટે પીસીઆઇના પોર્ટલ પર એક નવી સુવિધા શરૂ કરી છે, જે જાહેરાતકર્તાઓ અને તેમની એજન્સીઓને અધિકૃત પ્રતિનિધિ દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર સબમિટ કરવાની મંજૂરી આપશે. આ પોર્ટલ મંગળવાર એટલે કે 4 જૂનથી એક્ટિવ થઈ ગયું છે.

મંત્રાલયે 15 દિવસનો આપ્યો સમય

ઉલ્લેખનીય છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ હિતધારકોને સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયાથી પરિચિત થવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે, હાલ ચાલી રહેલી જાહેરાતોને સેલ્ફ ડિક્લેર કરવાની જરૂર નથી. નોંધનીય છે કે, ગયા મહિનાના અંતમાં, ઇન્ડિયન સોસાયટી ઑફ એડવર્ટાઇઝર્સ (આઇએસએ) અને ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (ડીએનપીએ)એ મંત્રાલયને એક પત્ર લખીને આ નિર્દેશના અમલીકરણની વ્યવહારિક મુશ્કેલીઓ પર વિચારણા કરવા માટે બેઠકની માગણી કરી હતી.

આ સમાચાર શેર કરો