Gold-silver price today: સોના-ચાંદીના ભાવ નવી ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા, જાણો નવો ભાવ

Gold-silver price today: સોના ચાંદીના ભાવમાં સતત આવી રહેલા ઉછાળાના કારણે રોકાણકારોના ચહેરા પર તો રનક દેખાઇ રહી છે પરંતુ સામાન્ય માણસોની પરેશાની વધી રહી છે. તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે સામાન્ય લોકો ઇચ્છે છે કે સોના અને ચાંદીના ભાવ ઘટે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં, ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જેના કારણે તે સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા છે. આજે પણ, બંને ધાતુઓએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે.
સોના અને ચાંદીએ ઈતિહાસ રચ્યો
સોના અને ચાંદીના ભાવે આજે નવા રેકોર્ડ બનાવ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 119,500 ને વટાવી ગયો છે.
ચાંદીનો તાજેતરનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1.5 લાખ સુધી પહોંચી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં વધારાથી બજારમાં હલચલ મચી ગઈ છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂપિયા 7,000થી વધુનો વધારો થયો છે.
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીના બુલિયન માર્કેટમાં, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,500 વધીને રૂ.1,19,500 પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદમાં ચાંદી ચોરસાનો ભાવ રૂ. 142000થી 147000 બોલાયો હતો. રૂપું 141800-148800 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 1300થી 1500 થયો હતો. સોનામાં 999નો ભાવ 1,19,000-119500, 995નો ભાવ દસ ગ્રામ દીઠ રૂ. 118700-119200 નોંધાયો હતો. હોલ માર્ક સોનાનો ભાવ રૂ. 1,17,110 બોલાયો હતો.
MCX પર સોના અને ચાંદીની સ્થિતિ શું છે?
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો ભાવ રૂ. 1,204 અથવા 1.06 ટકા વધીને રૂ. 1,14,992 પ્રતિ 10 ગ્રામ થયો. આ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. તેવી જ રીતે, ડિસેમ્બરમાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ 1.61 ટકા અથવા રૂપિયા 2,290 વધીને રૂપિયા 1,44,179 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો.
તેજી ચાલુ રહેશે
વિશ્લેષકો કહે છે કે સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. આના ઘણા કારણો છે. ભૂ-રાજકીય તણાવ અને અસ્થિર બજારો વચ્ચે રોકાણકારો સોના અને ચાંદીને સલામત સ્થાન તરીકે જુએ છે. વધુમાં, નબળો પડી રહેલો યુએસ ડોલર અને સોના અને ચાંદીની વધતી માંગ ભાવને રેકોર્ડ સ્તરે લઈ જઈ રહ્યો છે.

