શોખ પૂરા કરવાનો ક્રેઝ કે પછી EMI નું જાળ? જાણો 10 વર્ષમાં દેશનું લોન માર્કેટ કેટલું બદલાઈ ગયું?

ભારતમાં લોન લેવાની રીત છેલ્લા 10 વર્ષમાં ઘણી બદલાઈ ગઈ છે. એક દાયકા પહેલાં પહેલીવાર લોન લેનારા એટલે કે ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ગ્રાહકો માટે ખેતી સાથે જોડાયેલી લોન અને ટુ-વ્હીલર લોન મોટા એન્ટ્રી પોઇન્ટ હતા, પરંતુ હવે લોકો મોબાઇલ ફોન, ફ્રિજ, વૉશિંગ મશીન જેવી કન્ઝ્યુમર-ડ્યુરેબલ્સ વસ્તુઓ માટે પહેલીવાર લોન લઈ રહ્યા છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે શું માણસ પોતાના શોખ અને સુખ-સુવિધા પર ખર્ચ કરીને ક્યાંક EMIના જાળમાં ફસાતો તો નથી જઈ રહ્યો?
ટ્રાન્સયુનિયન સિબિલ અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC)ની સ્ટડી મુજબ, જૂન 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) પહેલીવાર ક્રેડિટ લેનારા ગ્રાહકોને આપવામાં આવેલી લોનમાં NBFCsનો હિસ્સો 50% સુધી પહોંચી ગયો છે. 2016ના આ જ ગાળામાં આ હિસ્સો માત્ર 24% હતો. એટલે કે 10 વર્ષમાં NTC ગ્રાહકોને લોન આપવામાં NBFCsની ભૂમિકા બમણા કરતાં પણ વધુ વધી છે.
હવે ફોન અને ફ્રિજથી થઈ રહી છે ક્રેડિટની શરૂઆત
NTC એટલે કે ન્યૂ-ટૂ-ક્રેડિટ એવા ગ્રાહકો હોય છે, જેનો રિટેલ ક્રેડિટ બ્યુરોમાં આ પહેલાં કોઈ લોન રેકોર્ડ હોતો નથી. આવા ગ્રાહકો માટે કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોન હવે ફોર્મલ ક્રેડિટ સિસ્ટમમાં એન્ટ્રી લેવાનું સૌથી મોટું સાધન બની ગયું છે.
જાન્યુઆરીથી જૂન 2026 વચ્ચે NTC લોનમાં કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોનનો હિસ્સો 30% રહ્યો. આ પછી પર્સનલ લોન 12%, ગોલ્ડ લોન 11% અને ટુ-વ્હીલર લોન 10% રહી. બાકીના 37% લોન અન્ય પ્રોડક્ટ્સની હતી.
એટલે કે હવે પહેલીવાર લોન લેનાર ગ્રાહક એ જરૂરી નથી કે બાઇક કે ખેતી માટે જ લોન લે. મોબાઇલ, ફ્રિજ, વૉશિંગ મશીન જેવી રોજિંદી વસ્તુઓને EMI પર ખરીદવી પણ તેની ફોર્મલ ક્રેડિટ સફરની શરૂઆત બની રહી છે.
10 વર્ષ પહેલાં ખેતી સાથે જોડાયેલું હતું ક્રેડિટનું પહેલું પગલું
2016ના પહેલા છ મહિનામાં સ્થિતિ બિલકુલ અલગ હતી. એ સમયે કિસાન ક્રેડિટ કાર્ડ NTC લોનમાં સૌથી મોટી પ્રોડક્ટ હતી. તેનો હિસ્સો 18% હતો. આ પછી એગ્રીકલ્ચર લોન 11%, ટુ-વ્હીલર લોન 10%, ગોલ્ડ લોન 8% અને કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોન માત્ર 6% હતી.
એટલે કે 10 વર્ષમાં ક્રેડિટની જરૂરિયાત અને તેને પૂરી કરનારી પ્રોડક્ટ્સ બંને બદલાયાં છે. પહેલાં ખેતી અને વાહન જેવા મોટા ખર્ચ માટે લોન લેવી વધુ સામાન્ય બાબત હતી, જ્યારે હવે નાની ટિકિટ સાઇઝની કન્ઝ્યુમર લોન પણ મોટી સંખ્યામાં લોકોને ફોર્મલ ક્રેડિટ સિસ્ટમ સાથે જોડી રહી છે.
ફોનની EMI બની રહી છે ક્રેડિટ એન્ટ્રીનું સાધન
ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ભાવેશ જૈનના જણાવ્યા મુજબ, કન્ઝ્યુમર-ડ્યુરેબલ લેન્ડિંગમાં ફોન ફાઇનાન્સિંગ સૌથી ઝડપથી વધતો હિસ્સો છે.
તેમનું કહેવું છે કે યુવા દેવાદારો મોટાભાગે સૌથી પહેલાં મોબાઇલ ફોન ખરીદે છે. એવામાં ફોનની EMI તેના માટે ફોર્મલ ક્રેડિટ સિસ્ટમમાં પ્રવેશવાનું એક સરળ માધ્યમ બની શકે છે.
2026ના પહેલા છ મહિનામાં જનરેશન Zના બોરોઅર્સને આપવામાં આવેલી ક્રેડિટમાંથી લગભગ 46% NBFCs તરફથી મળી હતી. જોકે, CIBILના ડેટામાં ફોન માટે લેવાયેલી લોનને અલગથી ઓળખવી શક્ય નથી. તેથી લોનની ટિકિટ સાઇઝના આધારે ફોન ફાઇનાન્સિંગના ગ્રોથનો અંદાજ લગાવવામાં આવે છે.
50 હજાર રૂપિયાથી ઓછી લોન સૌથી વધુ
કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોનના વધતા ચલણનો એક બીજો સંકેત તેની નાની ટિકિટ સાઇઝ પરથી મળે છે. જૂન 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોનમાં 50 હજાર રૂપિયાથી ઓછી લોનનો હિસ્સો 93% હતો.
આવી લોનની સંખ્યા જૂન 2019માં પૂરા થયેલા ક્વાર્ટરની સરખામણીએ 2.6 ગણી વધી ગઈ છે. તેનો અર્થ એ છે કે કન્ઝ્યુમર લોનનો મોટો હિસ્સો ખૂબ મોટા ખર્ચ માટે નહીં, પરંતુ નાની અને રોજિંદી વસ્તુઓની ખરીદી માટે લેવામાં આવી રહ્યો છે.
ક્રેડિટ માર્કેટમાં NBFCsની પકડ વધી
સ્ટડી મુજબ, જૂન 2026 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રિટેલ લોનની કુલ સંખ્યામાં NBFCs નો હિસ્સો 43% રહ્યો. વેલ્યુ એટલે કે કુલ લોનની રકમના હિસાબે તેમનો હિસ્સો 30% હતો.
2016ના આ જ ગાળામાં NBFCsનો હિસ્સો સંખ્યાના હિસાબે 33% અને વેલ્યુના હિસાબે 22% હતો. એટલે કે છેલ્લા 10 વર્ષમાં રિટેલ ક્રેડિટ માર્કેટમાં NBFCsની પહોંચ વધી છે.
FIDCના ચીફ એક્ઝિક્યુટિવ રમણ અગ્રવાલના જણાવ્યા મુજબ, NTC ગ્રાહકોમાં NBFCsનો 50% હિસ્સો એ દર્શાવે છે કે તે લોકોને ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ સાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આનાથી ગ્રાહકો પોતાનો ક્રેડિટ રેકોર્ડ બનાવી શકે છે અને આગળ જતાં બેંકમાંથી લોન લેવા માટે પાત્ર બની શકે છે.
શું EMIનું વધતું ચલણ કરજનું ભારણ પણ વધારી રહ્યું છે?
ક્રેડિટનો વ્યાપ વધવાનો અર્થ એ પણ છે કે હવે વધુ લોકો EMI વાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ માત્ર NTC અને કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોન વધવાથી એ નિષ્કર્ષ ના કાઢી શકાય કે સામાન્ય માણસ દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે. જોકે, એ ચોક્કસ છે કે EMI દ્વારા વસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ જરૂર વધ્યો છે.
રિપોર્ટમાં NBFCsનો વધતો હિસ્સો અને નાની કન્ઝ્યુમર લોનના વિસ્તારને ક્રેડિટ સિસ્ટમના બદલાતા પેટર્ન તરીકે જોવામાં આવ્યો છે. તો બીજી તરફ, નિષ્ણાતોએ મહામારી પછી ફોનની વધતી જરૂરિયાત અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારાને યુવાનોના લોન પેટર્નમાં બદલાવનું સંભવિત કારણ બતાવ્યું છે.

