ઓલ-ટાઇમ હાઈથી સોનું ₹52,000 તૂટ્યું, ચાંદી પણ અડધી કિંમતે પહોંચી! જાણો આજના લેટેસ્ટ રેટ
Silver and Gold Price : કોમોડિટી માર્કેટમાંથી આ સમયના

Silver and Gold Price : કોમોડિટી માર્કેટમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે એમસીએક્સ ગોલ્ડ ₹1,478 સસ્તું થઈને ₹1,40,700 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹7,482 નો ઘટાડો થયો છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જોરદાર ગાબડું પડ્યું છે. એમસીએક્સ પર ચાંદી પ્રતિ કિલો ₹2,10,737 પર આવી ગઈ છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ₹11,298 નો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે છેલ્લા 3 દિવસમાં ચાંદી કુલ ₹21,728 સસ્તી થઈ છે.
ઓલ-ટાઇમ હાઈથી સોનું ₹52,000 તૂટ્યું, ચાંદી અડધી કિંમતે પહોંચી
એમસીએક્સના આંકડા અનુસાર, આ વર્ષે 29 જાન્યુઆરીના રોજ સોનું ₹1,93,096 ના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર હતું, જે આજના ઘટાડા બાદ અત્યાર સુધીમાં કુલ ₹52,396 જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ચાંદી તેનો ઓલ-ટાઇમ હાઈ રેટ ₹4,20,048 સ્પર્શ્યા બાદ અત્યાર સુધીમાં ₹2,09,311 તૂટી ચૂકી છે. એટલે કે ચાંદીના ભાવ તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ અડધા થઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, બુધવારે સોનાનો ભાવ 3.8% તૂટીને $3,960 પ્રતિ ઔંસની નીચે ચાલ્યો ગયો છે, જે છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર $4,000 ના સ્તરની નીચે આવ્યો છે. જ્યારે ચાંદી પણ ડિસેમ્બર મહિના પછી પહેલીવાર $60 પ્રતિ ઔંસની નીચે સરકી ગઈ છે.
સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળના 5 મુખ્ય કારણો
ડોલરમાં મજબૂતી: આ સપ્તાહે યુએસ ડોલર ઇન્ડેક્સમાં લગભગ 1% નો ઉછાળો આવ્યો છે. ડોલર મજબૂત થવાને કારણે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું મોંઘું બને છે, જેથી માંગ ઘટે છે.
વ્યાજ દરમાં વધારો: યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વાર્શનું સંપૂર્ણ ફોકસ ફુગાવા (મોંઘવારી) ને નિયંત્રિત કરવા પર છે, જેના કારણે આગામી સમયમાં વ્યાજ દરો વધુ કડક થવાની આશંકા છે. આનાથી ડોલરને સપોર્ટ મળ્યો છે અને સોના પર દબાણ વધ્યું છે.
યુએસ-ઈરાન યુદ્ધ અને ફુગાવો: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ઊર્જા (ક્રૂડ ઓઇલ અને ગેસ) ની કિંમતો વધી છે, જેણે ફુગાવાને ઉત્તેજન આપ્યું છે. આ સ્થિતિમાં વ્યાજ દર વધવાની શક્યતા જોતાં રોકાણકારો સોનાને બદલે ટ્રેઝરી બોન્ડ જેવા સરકારી વિકલ્પો તરફ વળ્યા છે.
મોટી બેંકોનું નકારાત્મક અનુમાન: વૈશ્વિક સ્તરની મોટી બેંકોએ સોનાના ભાવના પોતાના ટાર્ગેટ ઘટાડી દીધા છે. ગોલ્ડમેન સેક્સે પોતાના અંદાજમાં $500 નો કાપ મૂકીને વર્ષના અંત સુધીમાં સોનું $4,900 રહેવાની આશા વ્યક્ત કરી છે, જ્યારે ડોઇશ બેંકે ચોથા ક્વાર્ટરના અંદાજમાં 17% નો ઘટાડો કર્યો છે.
ETF માં સતત વેચવાલી: સોના સાથે જોડાયેલા એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માંથી સતત પ્રોફિટ બુકિંગ અને વેચવાલી થઈ રહી છે. આ ઉપરાંત ચીનમાં ન્યૂયોર્ક કોમેક્સના ભાવોની સરખામણીમાં ચાંદી પર ઓનશોર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે દર્શાવે છે કે આયાત બજારને અત્યારે મોટો સપોર્ટ નથી.









