હવે મસાલા બનાવતી તમામ ફેક્ટરીઓનું નિરીક્ષણ કરાશે, FSSAIએ આપ્યો આદેશ
MDH અને એવરેસ્ટ મસાલામાં જંતુનાશકો મળી આવવાના સમાચારથી તમે વાકેફ હશો. સિંગાપોર અને

MDH અને એવરેસ્ટ મસાલામાં જંતુનાશકો મળી આવવાના સમાચારથી તમે વાકેફ હશો. સિંગાપોર અને હોંગકોંગમાં આ બંને કંપનીઓના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જે માલ ત્યાં પહોંચ્યો હતો તે પણ પરત કરવામાં આવ્યો હતો. આ પછી ભારતીય એજન્સીઓ પણ સક્રિય દેખાઈ રહી છે. હવે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ સ્પાઈસ મિક્સનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓની ફેક્ટરીઓમાં રાષ્ટ્રવ્યાપી તપાસનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ 127 વર્ષ બાદ ગોદરેજ પરિવારનો બિઝનેસ બે ભાગમાં વહેંચાયો, જાણો હવે કોણ સંભાળશે કમાન
શું આપ્યો આદેશ
ભારતના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે મસાલાનું મિશ્રણ બનાવતી તમામ કંપનીઓના રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ અને નિરીક્ષણનો આદેશ આપ્યો છે, રોઇટર્સના અહેવાલ મુજબ. FSSAIના આ આદેશથી એવું માનવામાં આવે છે કે, સરકાર ભારતમાંથી પાંચ અબજ ડોલરથી વધુના મસાલાની નિકાસને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આથી આ વિસ્તારમાં કાર્યવાહી વધી છે.
ગયા મહિને શું થયું
હોંગકોંગે ગયા મહિને ભારતના MDH દ્વારા બનાવેલા ત્રણ મસાલાના મિક્સ અને એવરેસ્ટ દ્વારા બનાવેલા ફિશ કરી મસાલાનું વેચાણ અટકાવ્યું હતું. સિંગાપોરે એવરેસ્ટ સ્પાઈસ મિક્સમાં ઉચ્ચ સ્તર ઈથિલિન ઓક્સાઈડ મળ્યા બાદ તેને પરત મોકલવાનો આદેશ આપ્યો હતો. સિંગાપોર સરકારે કહ્યું કે, આ મસાલા માનવ વપરાશ માટે અયોગ્ય છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી કેન્સર થવાનું જોખમ રહે છે.
આ ઉત્પાદનો છે લોકપ્રિય
એવરેસ્ટ અને MDH મસાલા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ માત્ર ભારતીય ઉપખંડમાં જ મોટાપાયે વેચાય છે એવું નહીં, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ મોટા પ્રમાણમાં વેચાય છે. આ કંપનીઓએ કહ્યું છે કે, તેમના તમામ મસાલા સુરક્ષિત છે. તેમ છતાં, યુએસ અને ઓસ્ટ્રેલિયન ખાદ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ આ બાબતે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. ભારતે પહેલાથી જ બે બ્રાન્ડના ઉત્પાદનોનું પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.
હવે થશે વ્યાપક તપાસ
ભારતીય ખાદ્ય નિયમનકાર FSSAI એ હવે અધિકારીઓને કરી પાઉડર અને બ્લેન્ડ મસાલાના મિશ્રણના ઉત્પાદકો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે જે સ્થાનિક બજાર અને વિદેશી બજારોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. આ સાથે, પાઉડર મસાલા માટે "તમામ ઉત્પાદન એકમોમાં વ્યાપક નિરીક્ષણ, નમૂના અને પરીક્ષણ" હાથ ધરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
FSSAIએ શું કહ્યું?
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા FSSAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે નમૂના લેવામાં આવેલ દરેક ઉત્પાદનનું વિશ્લેષણ કરવામાં આવશે." એજન્સીએ જણાવ્યું હતું કે, તે ઇથિલિન ઓક્સાઇડની હાજરી માટે પણ પરીક્ષણ કરવામાં આવશે. ભારતમાં પણ આ કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ છે. એજન્સીનું કહેવું છે કે, ટેસ્ટિંગમાં જે પણ ગેરરીતિઓ જણાશે, તેના પર પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે ભારત
ઝિઓન માર્કેટ રિસર્ચ અનુસાર, ભારત માત્ર મસાલાનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક નથી પણ તેનો સૌથી મોટો ઉપભોક્તા પણ છે. આ સાથે ભારત મસાલાનો સૌથી મોટો નિકાસકાર પણ છે. વર્ષ 2022માં આ પદાર્થોનું સ્થાનિક બજાર $10.44 બિલિયન હોવાનો અંદાજ હતો.








