અદાણી ગ્રૂપના પ્રોજેક્ટસને રોકવામાં વિદેશી કાવતરાનો પર્દાફાશ! દરોડામાં 5 NGOને વિદેશી ભંડોળ મળ્યાનો ખુલાસો
આવકવેરા વિભાગે વિદેશી ભંડોળથી ચાલતા પાંચ એવા એનજીઓનો પર્દાફાશ કર્યો છે જે દેશમાં

આવકવેરા વિભાગે વિદેશી ભંડોળથી ચાલતા પાંચ એવા એનજીઓનો પર્દાફાશ કર્યો છે જે દેશમાં વિકાસ કાર્યોમાં અવરોધો ઉભી કરી રહ્યા હતા. દેશના વિકાસને નવી ગતિ આપી રહેલા અદાણી ગ્રૂપ સહિતની જાણીતી કંપનીઓના પ્રોજેક્ટસમાં અવરોધ ઉભા કરવા એ જ તેમનું લક્ષ્ય હતું. આવકવેરા વિભાગે 7 સપ્ટેમ્બર 2022ના રોજ 5 એનજીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઓક્સફામ, સીપીઆર, એનવીઓનિક્સ ટ્રસ્ટ, લાઇફ અને સીઆઇએસએસડીનો સમાવેશ થાય છે.
આવકવેરા વિભાગે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ચાર એનજીઓને મળેલુ 75 ટકા ભંડોળ વિદેશમાંથી આવ્યું હતું. તે એનજીઓ દ્વારા મોટી કંપનીઓના પ્રોજેક્ટ્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. ઓક્સફામ ઇન્ડિયાએ ઓક્સફામ ઓસ્ટ્રેલિયાને અદાણી ગ્રુપનું કામ રોકવામાં મદદ કરી હતી. ચોંકાવનારી બાબત તો એ પણ છે કે, અદાણી પોર્ટ્સને ડીલિસ્ટ કરવામાં પણ ઓક્સફેમ ઈન્ડિયાનો સીધો રસ લીધો હોવાનું બહાર આવ્યું છે.
એક રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2022માં ઈન્કમટેક્સ વિભાગના દરોડા બાદ આ સમગ્ર પ્રકરણના પડદા ખુલવા લાગ્યા હતા. આઈટી વિભાગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી તો ચોંકાવનારી બાબતો સામે આવી. જો કે એ તમામ એનજીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હતા તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ આઇટી વિભાગના જણાવ્યા અનુસાર, એક એનજીઓના ડાયરેક્ટર અન્ય એનજીઓના શેરહોલ્ડર હોવાનો ખુલાસો થયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે વાતચીત કરતા જાણીતા રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ તેને આર્થિક આતંકવાદ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે આવા એનજીઓ સામે કડક કાર્યવાહી કરવાની હાકલ પણ કરી હતી. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અદાણી ગ્રુપ અને તેના જેવી દેશની અન્ય પ્રખ્યાત કંપનીઓને નિશાન બનાવવા એનજીઓએ વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.
પૂનાવાલે કહ્યું હતું કે, અદાણી ગ્રુપ અને અન્ય દેશની પ્રખ્યાત કંપનીઓને નિશાન બનાવવા માટે એનજીઓએ વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો તે ખરેખર ચોંકાવનારું છે. 'હું કોઈ એનજીઓની વિરુદ્ધ નથી, પરંતુ એનજીઓને શા માટે ફંડ આપવામાં આવે છે? તે પૈસા આપણા દેશમાં કેમ આવી રહ્યા છે? તે ભંડોળથી તેનો ઉદ્દેશ્ય પૂરો કરે છે કે પછી તેનો ઉદ્દેશ્ય ભારતને અસ્થિર કરવાનો છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.
પૂનાવાલાએ કહ્યું કે, “જ્યારે ભારતની પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારે પણ ઘણા એનજીઓએ તેને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તત્કાલીન યુપીએ સરકારે તે એનજીઓ સામે કડક પગલાં લીધા ન હતા. મારું માનવું છે કે જો કોઈ એનજીઓનો ઉદ્દેશ્ય ભારતમાં આર્થિક આતંકવાદ ફેલાવવાનો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. અદાણી ગ્રુપ બંદરોના વિકાસ માટે કામ કરે છે અને બંદરો ભારતને ઘણો વ્યૂહાત્મક લાભ આપશે, આવી સ્થિતિમાં કંપનીને અસ્થિર કરવાનો પ્રયાસ એ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ છે.
પૂનાવાલાએ જણાવ્યું હતું કે ”અદાણી ગ્રુપનું ભારત દેશ માટેનું એક વિઝન છે. વિદેશી ભંડોળથી ચાલતી એનજીઓ આપણા દેશની કોઈપણ કંપનીને અસ્થિર કરવાનો પ્રયાસ કરે તે શું કામ સહન કરવું જોઈએ?” એનજીઓનું કામ સમાજના કલ્યાણ માટે કામ કરવાનું હોય છે, પરંતુ વિદેશમાંથી મળેલી જંગી રકમથી તેઓ મોટી કંપનીઓના પ્રોજેક્ટ રોકવામાં વ્યસ્ત હતા.








