રક્ષાબંધનનો તહેવાર મોંઘો પડશે, વિમાન ભાડું વધીને બમણા જેટલું થયું, જાણો વિગત
Rakshabandhan 2024 : જો તમે આ વર્ષે રક્ષાબંધન પર હવાઈ મુસાફરી કરવા માંગતા હો, તો તમારું ખિસ્સું બહેન માટે

Rakshabandhan 2024 : જો તમે આ વર્ષે રક્ષાબંધન પર હવાઈ મુસાફરી કરવા માંગતા હો, તો તમારું ખિસ્સું બહેન માટે નહી પણ વિમાન કંપનીઓ માટે ખાલી કરવા તૈયાર રહેજો, કારણ કે વિમાન ટિકિટ 46 ટકા મોંઘી થઈ ગઈ છે. રક્ષાબંધન 19મી ઓગસ્ટે છે પરંતુ તે પહેલા 15મી ઓગસ્ટે રજા રહેશે અને પછી વીકએન્ડ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર આવશે. સળંગ રજાઓણે કારણે હવાઈ મુસાફરોની ભીડ એકાએક વધી ગઈ છે અને ઈકોનોમી ક્લાસના ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે.
કેટલું ભાડું વધ્યું?
ઇક્સીગોના ડેટા અનુસાર, 14 થી 20 ઓગસ્ટ વચ્ચે બેંગલુરુ-કોચી રૂટ પર સરેરાશ ભાડું રૂ.3,446 પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 46.3 ટકા વધુ છે. બેંગલુરુ-મુંબઈ રૂટ પરનું હવાઈ ભાડું પણ વધીને 3,969 રૂપિયા થઈ ગયું છે. આ રૂટ પરનું હવાઈ ભાડું ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 37.6 ટકા વધારે છે.
દેશના મહત્વના રૂટ પર મુસાફરોની ભારે ભીડ
ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે એન્જિનની સમસ્યા, સપ્લાય સિસ્ટમની સમસ્યાઓ અને નાણાકીય મુશ્કેલીઓના કારણે ઘણા વિમાનો દેશમાં ઉડાન ભરી શકતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ શુક્રવારે કહ્યું કે તેના કાફલામાં 383 એરક્રાફ્ટમાંથી લગભગ 70 હાલમાં ઉભા છે.
આ કારણે ફ્લાઇટની સંખ્યામાં ઝડપથી વધારો થયો નથી, જેના કારણે દેશના મહત્વના રૂટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, આ વર્ષે ઓગસ્ટમાં દર અઠવાડિયે બેંગલુરુ અને કોચી વચ્ચે ફ્લાઇટની સંખ્યા ગયા વર્ષની જેમ જ છે.
ઉડ્ડયન ઉદ્યોગ પર દેખરેખ રાખતી કંપની સિરિયમ અનુસાર, ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં ઓગસ્ટમાં બેંગલુરુ અને મુંબઈ વચ્ચેની હવાઈ ફ્લાઈટ્સની સંખ્યા 4.8 ટકા ઘટીને 472 થઈ ગઈ છે.
રજાઓને કારણે અમુક ચોક્કસ રૂટ પરના ભાડા વધી ગયા
ઉડ્ડયન ઉદ્યોગના સંશોધક અને નેટવર્ક થોટ્સના સ્થાપક અમેય જોશીએ જણાવ્યું, “લાંબા વીકએન્ડમાં લોકો થોડા દિવસો માટે રજા પર જાય છે અથવા તેમના પરિવારને મળવા જાય છે, જેના કારણે હવાઈ ભાડામાં વધારો થાય છે. આ વર્ષે 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસથી રક્ષાબંધન સુધી વધુ રજાઓ છે. ડોમેસ્ટિક એરલાઈન્સ છેલ્લા કેટલાક સમયથી તેમની ફ્લાઈટમાં વધારે વધારો કરી શકતી નથી, તેથી અમુક ચોક્કસ રૂટ પરના ભાડા અચાનક વધી ગયા છે.
સીરિયમના જણાવ્યા અનુસાર, હાલમાં દિલ્હી અને પૂણે વચ્ચે દર અઠવાડિયે 160 ફ્લાઇટ્સ હોય છે અને ગયા વર્ષના ઓગસ્ટથી તેમની સંખ્યામાં વધારો થયો નથી. આ વર્ષે 14 થી 20 ઓગસ્ટ વચ્ચે દિલ્હી-પુણે રૂટ પરનું હવાઈ ભાડું રૂ. 5,257 પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 22.6 ટકા વધુ છે.
મોટા શહેરો વચ્ચેના હવાઈ ભાડા લગભગ બમણા થઈ ગયા
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું કે મુસાફરોની સંખ્યામાં વધારો થવા છતાં ભારતીય એરલાઈન્સ વિવિધ કારણોસર ફ્લાઈટ્સ વધારી શકતી નથી. માયાલે કહ્યું, “ઉડ્ડયન ઉદ્યોગ માંગ પ્રમાણે ક્ષમતા વધારવામાં સક્ષમ નથી. રક્ષાબંધન પર ઉદયપુર અને દિલ્હી, જયપુર અને મુંબઈ જેવા મોટા શહેરો વચ્ચેના હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. ભાડા લગભગ બમણા થઈ ગયા છે.








