યુદ્ધ અને મજબૂત ડોલરથી સોના-ચાંદીમાં મોટો કડાકો: ટોચથી 67% સુધી ગગડ્યા ચાંદીના ભાવ, ખાણ કંપનીઓની ચિંતા વધી

આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સલામત રોકાણ (Safe Haven Investment) તરીકે સોના-ચાંદીની માંગ વધતી હોય છે, પરંતુ આ વખતે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને મજબૂત અમેરિકન ડોલરને કારણે બુલિયન માર્કેટમાં ઊલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. જાન્યુઆરીમાં ઐતિહાસિક સપાટીએ પહોંચેલી ચાંદીના ભાવમાં ત્યારથી મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ, ચાંદી ટોચના સ્તરેથી લગભગ 67 ટકા સુધી તૂટી હતી અને હવે તેના ઉત્પાદન ખર્ચની નજીક પહોંચી ગઈ છે.
ચાંદીમાં મોટો ઘટાડો, સોનામાં પણ વેચવાલી
18 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ 121.64 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો. 30 ઓક્ટોબરે ભાવ 50 ડોલરથી નીચે જતાં ટ્રેડરો પર માર્જિન કોલ (Margin Call)નું દબાણ વધ્યું હતું. 25 નવેમ્બરે ચાંદીનો ભાવ ઘટીને 38.20 ડોલર થયો હતો. જોકે, શુક્રવારે થોડો સુધારો નોંધાયો અને ભાવ આશરે 44.24 ડોલર સુધી પહોંચ્યો હતો. સોનામાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. તેનો ભાવ ઘટીને 14 મહિનાના નીચલા સ્તરે એટલે કે પ્રતિ ઔંસ 3,434 ડોલર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ થોડી રિકવરી સાથે ભાવ 3,666 ડોલરની આસપાસ રહ્યા હતા.
યુદ્ધ છતાં સોના-ચાંદીના ભાવ કેમ ઘટ્યા?
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકન ડોલરની મજબૂતી માનવામાં આવે છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ઓક્ટોબરમાં 126.41 ડોલરની ટોચે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમાં ઘટાડો થયો હોવા છતાં ભાવ 91થી 92 ડોલરની આસપાસ રહ્યા હતા. ક્રૂડ ઓઈલની ખરીદી માટે ડોલરમાં ચુકવણી કરવી પડતી હોવાથી ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને જર્મની જેવા આયાતકાર દેશોના ચલણ પર દબાણ વધ્યું છે. પોતાના ચલણને સ્થિર રાખવા માટે વિદેશી કેન્દ્રીય બેન્કો ડોલરની ખરીદી કરી રહી છે. તેના કારણે ડોલરની માંગ વધી રહી છે અને સોના-ચાંદી જેવી કોમોડિટીમાં રોકાણનું આકર્ષણ ઘટી રહ્યું છે.
પેપર ગોલ્ડ-સિલ્વરમાં પણ વેચવાલી
ડોલર મજબૂત બનતાં વોલ સ્ટ્રીટના મોટા રોકાણકારો રોકડ પ્રવાહિતા (Liquidity) જાળવી રાખવા માટે સોના-ચાંદીના વાયદા (Futures Contracts)માં પોતાની પોઝિશન વેચી રહ્યા છે. આ વેચવાલીના કારણે બજારમાં ભાવ પર વધુ દબાણ ઊભું થયું છે. માર્જિન કોલને કારણે કેટલાક ટ્રેડરોને વધારાના નાણાં જમા કરાવવા પડતા હોવાથી તેઓએ પણ પોતાની પોઝિશન ઘટાડવાની શરૂઆત કરી હતી.
ખાણ કંપનીઓ માટે ચિંતાજનક સ્થિતિ
બજારના નિષ્ણાતોના મતે, સોના-ચાંદીમાં હાલનો ઘટાડો કોમોડિટી બજારમાં અગાઉ બનેલી તેજીના ફુગ્ગામાંથી હવા નીકળવાની પ્રક્રિયા હોઈ શકે છે. જોકે, ચાંદીના ભાવ ઘટીને પ્રતિ ઔંસ 28થી 35 ડોલરની ઉત્પાદન પડતરની નજીક પહોંચે તો ખાણ કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ફર્સ્ટ મેજેસ્ટિક સિલ્વર જેવી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચની સરખામણીએ બજારભાવ ઓછા રહે તો નફાકારકતા પર અસર પડી શકે છે. ઉત્પાદન ચાલુ રાખવા માટે કંપનીઓને પૂરતો ભાવ મળવો જરૂરી છે. આમ, ડોલરની મજબૂતી, યુદ્ધની સ્થિતિ અને રોકાણકારોની વેચવાલી વચ્ચે સોના-ચાંદીના બજારમાં આગામી દિવસોમાં પણ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે.









