ટેરિફની ધમકી સામે શેરબજારની સિંહગર્જના: સેન્સેક્સમાં 1,434 અને નિફ્ટીમાં 407 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો!

અમેરિકા દ્વારા ટેરિફ લાદવાની સતત મળી રહેલી ધમકીઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી અને હરિયાળી જોવા મળી છે. સપ્તાહના કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની ચોતરફી લેવાલી નીકળતા બીએસઈ સેન્સેક્સમાં 1434 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટીમાં 407 પોઈન્ટ સુધીનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સમાં 1800થી વધુ પોઇન્ટની ઉથલપાથલ મચી હતી.
સેન્સેક્સની ચાલ: જૂના બંધ સામે 1434 પોઈન્ટનો ઉછાળો
બીએસઈ સેન્સેક્સ ગત સત્રના 82,435.99 ના જૂના બંધ ભાવ સામે આજે 1000 પોઈન્ટથી વધુના ગેપ-અપ સાથે 83,436.89 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબારની શરૂઆતમાં નીચામાં 83,380.75 ના સ્તરે ગયા બાદ બજારમાં જોરદાર ખરીદી નીકળી હતી અને સેન્સેક્સ 1434 પોઈન્ટ ઉછળીને 83,869.60 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સની 52 સપ્તાહની ઊંચી સપાટી 86,159.02 અને નીચી સપાટી 71,292.88 રહી છે.
નિફ્ટી 50 માં પણ 407 પોઈન્ટની છલાંગ
સેન્સેક્સની જેમ એનએસઈ નિફ્ટી 50 માં પણ શરૂઆતથી જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી તેના 25,349.65 ના જૂના બંધ ભાવ સામે આજે 25,658.35 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન નીચામાં 25,619.00 સુધી ગયા બાદ નિફ્ટીમાં 407 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 25,756.00 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20 અને નીચી સપાટી 22,179.90 છે.
બજારમાં તેજી પાછળના મુખ્ય કારણો
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ટેકો: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક ફંડ્સ અને રિટેલ રોકાણકારોની સતત ખરીદીએ બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે.
હેવીવેઈટ શેરોમાં લેવાલી: બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને આઈટી ક્ષેત્રના દિગ્ગજ શેરોમાં નીચલા મથાળેથી આકર્ષક વેલ્યુએશન પર મોટી ખરીદી જોવા મળી છે.
શોર્ટ કવરિંગ: અગાઉના ઘટાડા બાદ તેજીવાળા ખેલાડીઓ સક્રિય થતા મંદીવાળાઓએ પોતાના સોદા કાપવા પડ્યા હતા, જેના કારણે બજારમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.
મજબૂત સ્થાનિક અર્થતંત્ર: અમેરિકાની ટેરિફ નીતિની સંભવિત અસરો છતાં ભારતની આંતરિક માંગ અને અર્થતંત્રના મજબૂત આંકડાઓએ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.








