અમેરિકાનું દોગલાપણું! ભારતને 100% ટેરિફની ધમકી આપી ખુદ રશિયા સાથે કરશે વેપાર

અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદનારા દેશો પર 100ટકા સુધીનો ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે, જેના અંતર્ગત ભારત અને ચીન જેવા રશિયાના મોટા ઊર્જા ખરીદનાર દેશો પણ આવશે. અમેરિકન પ્રતિનિધિ સભા દ્વારા તાજેતરમાં 'લિંડસે ઓ. ગ્રાહમ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતો અધિનિયમ 2026' મંજૂર કરવામાં આવ્યો છે, જે હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પને આ કડક પગલાં લેવાની સત્તા મળશે.
પરમાણુ ક્ષેત્રે વિશેષ છૂટ અને વિરોધાભાસ
એક તરફ અમેરિકા રશિયાના ઓઇલ પર આર્થિક દબાણ વધારી રહ્યું છે, તો બીજી તરફ તેણે પોતાની પરમાણુ જરૂરિયાતો માટે રશિયાથી ખાસ પ્રકારના યુરેનિયમની આયાતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. નવા કાનૂનમાં એવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે કે જે અંતર્ગત રશિયા સાથેના નાગરિક પરમાણુ સહયોગ અને ચોક્કસ પ્રકારના યુરેનિયમની આયાત પર આ પ્રતિબંધો લાગુ પડશે નહીં.
કાયદામાં આપવામાં આવેલા બે મોટા અપવાદ
આ વ્યાપક પ્રતિબંધક કાયદાના 'સેક્શન 111' અને 'સેક્શન 114' હેઠળ કેટલાક મહત્વપૂર્ણ અપવાદો રાખવામાં આવ્યા છે:
• નાગરિક પરમાણુ સહયોગ: અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ ઊર્જા અધિનિયમ હેઠળ થયેલા નાગરિક પરમાણુ સહયોગ સમજૂતીની પ્રવૃત્તિઓને આનાથી મુક્તિ આપવામાં આવી છે.
• ઓછા-સંવર્ધિત યુરેનિયમ (LEU): પરમાણુ રિએક્ટરમાં વપરાતા કેટલાક ખાસ ઓછા- સંવર્ધિત યુરેનિયમ અને કેટલાક ચિકિત્સીય (મેડિકલ) આઈસોટોપની આયાત પર પ્રતિબંધ લાગુ નહીં થાય.
રશિયાના યુરેનિયમ પર અમેરિકાની નિર્ભરતા
અમેરિકાના આ બેવડા વલણ પાછળ તેની પોતાની પરમાણુ ઈંધણની જરૂરિયાતો જવાબદાર છે. અમેરિકાએ ભલે રશિયા પરની આર્થિક નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ પરમાણુ ઈંધણના મામલે સ્થિતિ અલગ છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2025માં અમેરિકાના નાગરિક પરમાણુ પ્લાન્ટોએ મેળવેલી એરિચમેન્ટ સેવાઓમાં એક એકલા રશિયાનો હિસ્સો જ લગભગ 26 ટકા જેટલો મોટો હતો, જે દર્શાવે છે કે અમેરિકા આ ક્ષેત્રે રશિયા પર કયા સ્તરે નિર્ભર છે.

