અમેરિકન શેરબજારમાં મોટું કૌભાંડ! રોકાણકારોની મંજૂરી વગર Apple-Tesla સહિતના શેર વેચી દેવાયા, ₹100 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ

અમેરિકન શેરબજારમાં મોટું કૌભાંડ! રોકાણકારોની મંજૂરી વગર Apple-Tesla સહિતના શેર વેચી દેવાયા, ₹100 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકન શેરબજારમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારો સાથે મોટી છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. આશરે 30 રોકાણકારોએ આક્ષેપ કર્યો છે કે તેમની મંજૂરી કે જાણકારી વગર તેમના પોર્ટફોલિયોમાં રહેલા અમેરિકાની અગ્રણી કંપનીઓના શેર વેચી દેવામાં આવ્યા હતા. આ શેર વેચીને મળેલી રકમથી ચીનની એક અજાણી કંપનીના શેર ખરીદવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે રૂ.100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

શું છે સમગ્ર Stockal કૌભાંડનો મામલો?

મનીકંટ્રોલના અહેવાલ અનુસાર, રોકાણકારોએ ફિનટેક પ્લેટફોર્મ Stockal Securities પર ગંભીર આક્ષેપો કર્યા છે. રોકાણકારોના જણાવ્યા પ્રમાણે, 15 ઓક્ટોબરના રોજ તેમના ખાતામાં રહેલા Apple, Amazon, Tesla, Alphabet, Nvidia અને AMD જેવી જાણીતી કંપનીઓના શેર તેમની મંજૂરી વગર વેચી દેવામાં આવ્યા હતા. આ શેર વેચીને મળેલી રકમથી અમેરિકામાં લિસ્ટેડ ચીનની કંપની Zhibao Technology Inc.ના શેર ખરીદવામાં આવ્યા હતા. આ કંપનીના શેરમાં ટ્રેડિંગનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી રોકાણકારો માટે શેર વેચીને પૈસા પાછા મેળવવા મુશ્કેલ બન્યા હતા. પરિણામે તેમને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જાહેરાત

એક રોકાણકારને રૂ.4.26 કરોડનું નુકસાન

આ મામલામાં એક રોકાણકારે દાવો કર્યો છે કે તેમના ખાતામાંથી 3,35,768 ડોલર (આશરે રૂ.3 કરોડથી વધુ)ના અમેરિકન શેર વેચી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમમાંથી પ્રતિ શેર સરેરાશ 1.05 ડોલરના ભાવે Zhibao Technologyના આશરે 3 લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ કંપનીના શેરના ભાવમાં ભારે ઘટાડો થતાં રોકાણકારને અંદાજે 4,50,000 ડોલર એટલે કે આશરે રૂ.4.26 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો છે.

મિનિટોમાં રૂ.29 કરોડના શેર વેચી દેવાયાનો આરોપ

બીજા એક રોકાણકારે આક્ષેપ કર્યો છે કે તેમના ખાતામાંથી આશરે 31 લાખ ડોલર એટલે કે રૂ.29 કરોડના અમેરિકન શેર ગણતરીની મિનિટોમાં વેચી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના બદલે ઓછી ટ્રેડિંગ પ્રવૃત્તિ ધરાવતી Zhibao Technologyના આશરે 30.5 લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આ સમગ્ર મામલામાં રોકાણકારોને રૂ.100 કરોડથી વધુનું નુકસાન થયું હોઈ શકે છે. જોકે, નુકસાનનો અંતિમ આંકડો હજી સ્પષ્ટ થયો નથી.

Stockal મામલે રોકાણકારો ક્યાં ફરિયાદ કરી શકે?

આ મામલે ભોગ બનેલા રોકાણકારો પોતાની ફરિયાદ માટે વિવિધ ભારતીય અને અમેરિકન નાણાકીય નિયમનકારી સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે.

1. Stockal Securitiesમાં ફરિયાદ: રોકાણકારો સૌપ્રથમ કંપનીના ફરિયાદ વિભાગને [email protected] પર લેખિત ફરિયાદ મોકલી શકે છે. શેર વેચાણ અને ખરીદીની વિગતો તથા નુકસાનની ભરપાઈ અંગે સ્પષ્ટતા માગી શકે છે.

2. SEBIના SCORES પોર્ટલ પર ફરિયાદ: જો કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળે તો રોકાણકારો ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)ના SCORES પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે.

3. અમેરિકાની SECમાં ફરિયાદ: અમેરિકન શેરબજાર સાથે જોડાયેલા વ્યવહારોમાં ગેરરીતિ કે છેતરપિંડી થઈ હોવાની શંકા હોય તો રોકાણકારો અમેરિકાની Securities and Exchange Commission (SEC)નો સંપર્ક કરી શકે છે.

4. FINRAમાં ફરિયાદ: અમેરિકાની Financial Industry Regulatory Authority (FINRA) પાસે પણ ફરિયાદ કરી શકાય છે, જો સંબંધિત બ્રોકરેજ કંપની તેના અધિકારક્ષેત્રમાં આવતી હોય.

5. India INXનો સંપર્ક: જો રોકાણકારોએ India International Exchange (India INX) મારફતે રોકાણ કર્યું હોય તો તેઓ એક્સચેન્જની નિર્ધારિત ફરિયાદ પ્રક્રિયા અનુસરી શકે છે.

રોકાણકારો માટે શું છે મહત્ત્વની સલાહ?

આ સમગ્ર ઘટનાએ વિદેશી શેરબજારમાં રોકાણ કરતા લોકોની ચિંતા વધારી છે. રોકાણકારોએ પોતાના ટ્રેડિંગ એકાઉન્ટના વ્યવહારો નિયમિત તપાસવા જોઈએ. કોઈપણ અજાણ્યો શેર વેચાણ કે ખરીદીનો વ્યવહાર જોવા મળે તો તરત જ બ્રોકરેજ કંપનીને લેખિત ફરિયાદ કરીને ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અને સ્ટેટમેન્ટ માગવા જોઈએ.

આ સમાચાર શેર કરો

જાહેરાત