દોઢ વર્ષ પછી પણ પાછી નથી આવી 7,117 કરોડ રૂપિયાની 2000ની નોટ, RBIએ આપ્યું આ મોટું અપડેટ
દેશમાં 2,000 રૂપિયાની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વ

દેશમાં 2,000 રૂપિયાની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ લોકો હજુ પણ 7,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આ ચલણી નોટોને પકડી ને બેઠાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબરના પહેલા દિવસે આ ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે, ચલણમાંથી બહાર કર્યા બાદથી કુલ રૂ. 2,000ની 98 ટકા નોટો પરત આવી ગઈ છે.
હજુ પણ જોવાઈ રહી છે 2% નોટ પરત આવવાની રાહ
મંગળવાર, 1 ઓક્ટોબર, 2024ના રોજ, કેન્દ્રીય બેંક આરબીઆઈએ, ચલણમાંથી બહાર કરેલી 2,000 રૂપિયાની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર, રિઝર્વ બેંકે કહ્યું છે કે, લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. આ નોટોને ચલણમાંથી બહાર કર્યા પછી, શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.
જુલાઈથી અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી?
1 જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7,581 કરોડ રૂપિયાની કિંમતની 2,000 રૂપિયાની નોટો બચી ગઈ હતી, જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7,000 કરોડ રૂપિયાથી નીચે નથી આવી શક્યો. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઓક્ટોબરના ડેટાને જોતાં, નોટો ઉપાડવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હાજર હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.
2,000 રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?
RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂ. 2,000ની નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી.
હજુ પણ જમા કરાવી શકો છો 2,000 રૂપિયાની નોટ
ઉલ્લેખનીય છે કે, આ નોટો હજુ પણ બદલી શકાશે, જોકે સ્થાનિક બેંકોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેંકે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે, ચલણમાંથી બહાર કરેલી આ ગુલાબી નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.








