AIની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ જ જવાબદાર! TRAIના નવા ડ્રાફ્ટ નિયમથી ટેલિકોમ ઓપરેટરોમાં મચ્યો હડકંપ

ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના નવા નિયમે ટેલિફોન ઓપરેટર કંપનીઓમાં હડકંપ મચાવી દીધો છે. ટ્રાઈનો નવો ડ્રાફ્ટ નિયમ છે કે થર્ડ પાર્ટી AI નિષ્ફળતા માટે પણ ટેલિકોમ ઓપરેટરની જ જવાબદારી ગણાય. બીજી બાજુએ AI બનાવનારી એન્થ્રોપિકે પોતે તેને પ્રોડક્ટ નહીં પણ સર્વિસ ગણાવીને કોઈપણ પ્રકારની જવાબદારીને સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે.
આ અત્યંત આંચકાજનક ઘટનાક્રમમાં ટેલિકોમ ઓપરેટરોની સ્થિતિ ઘંટીના બે પડ વચ્ચે પીસાવવા જેવી થઈ છે. એકબાજુએ રેગ્યુલેટર તેમના પર AI અંગે આકરા નિયંત્રણો લાદીને તેમને જવાબદાર ઠેરવી રહ્યુ છે. બીજી બાજુએ AI કંપનીઓ તેને પ્રોડકશન નહીં સર્વિસ ગણાવીને કોઈપણ પ્રકારની જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. તેના પગલે પરિસ્થિતિ એવી છે કે કોઈપણ AI પ્રોડક્ટ્સનો ઇન્શ્યોરન્સ પણ ઉતારી શકાતો નથી. બજારમાં દરેક વસ્તુનો વીમો છે, પરંતુ AI પ્રોડક્ટ્સનો કે AI એજન્ટ્સનો વીમો નથી, તેના વીમાની વાત આવે તરત જ AI કંપનીઓ કહે છે કે અમારી સર્વિસની તમને જરુર હોય તો લો અને ન જરુર હોય તો ન લો.
તેથી ભારત બહારના કાર્યક્ષેત્રમાં આવતી કંપનીઓને જવાબદાર બનાવવા માટે ટ્રાઈએ તે એઆઈનો ઉપયોગ કરવાનું પ્લેટફોર્મ પૂરુ પાડતા ટેલિકોમ ઓપરેટરોને જવાબદાર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી આ ટેલિકોમ ઓપરેટરો પણ હવે કોઈને કોઈ રીતે આ AI કંપનીઓ પાસેથી જવાબદેહિતાની માંગ કરે અથવા તો તેમની સર્વિસ જ લેવાની બંધ કરે.
ટ્રાઈના આ નવા ડ્રાફ્ટ નિયમ મુજબ દરેક ટેલિકોમ ઓપરેટરે AI પોલિસી બનાવવી પડશે. તેને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવશે. દર વર્ષે તેની કમસેકમ એક વખત સમીક્ષા કરવામાં આવશે. તેનો અમલ શરુ થાય કે સાત દિવસની અંદર તેને ટ્રાઈ સમક્ષ ફાઇલ કરવી પડશે. આ ઉપરાંત દરેક AI સિસ્ટમને હાઈ, મીડિયમ અને લો રિસ્ક કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે. તેના નેટવર્ક કે તેની સર્વિસના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવશે. તેની સાથે ગ્રાહકો પર તેની સંભવિત અસર પણ ચકાસવામાં આવશે. આ ઉપરાંત નિયત અધિકારીઓએ દરેક AI સિસ્ટમને અમલમાં મૂકતા પહેલા તેની મંજૂરી લેવી જરૂરી છે.
ઓપરેટરોએ તેમની પાસેની બધી AI સિસ્ટમ્સની યાદી તૈયારી કરવી પડશે. ઇન્વેન્ટરીનો હિસ્સો હોય તેવી કોઈપણ AI સિસ્ટમ્સનો ઉપયોગ નહીં કરી શકાય. ઓપરેટરોએ લોન્ચ કરતાં પહેલા દરેક AI સિસ્ટમની ચોકસાઈ, મજબૂતાઈ, સમજાવટની ક્ષમતા અને યોગ્યતા ચકાસવી પડશે. તેની મજબૂતાઈ એવી હોઈએ કે તે દરેક પ્રકારના વાતાવરણમાં કામ કરી શકે.
ઓપરેટરોએ AI સંલગ્ન બનાવોનું ચાર સિક્યોરિટી લેવલમાં વર્ગીકરણ કરવું જોઈએ. દરેકનું સેન્ટ્રલ ડેટાબેઝમાં રેકોર્ડિંગ કરવું જોઈએ.કમસેકમ બે અત્યંત ગંભીર લેવલના બનાવનું ટ્રાઇને રિપોર્ટિંગ કરવું જોઈએ. લોકોએ દરેક એઆઈ સિસ્ટમનું સુપરવિઝન કરવું જોઈએ. ઓપરેટરોએ AI સંલગ્ન નુકસાનનો યુઝર્સને નિયત સમયમાં પ્રતિભાવ આપવો પડશે. દરેક ઓપરેટરોએ AI ગવર્નન્સ અને સેફટી કમિટી રચવી પડશે, જેની આગેવાની સીનિયર એક્ઝિક્યુટિવ લેશે.






