સેટેલાઇટ ઇન્ટરનેટને લઈને સુનીલ ભારતી મિત્તલની સ્પષ્ટ વાત, દેશની સુરક્ષા સાથે નહીં થાય સમાધાન

ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. એલન મસ્કની સ્ટારલિંક અને ભારતી ગ્રૂપના સમર્થનવાળી Eutelsat OneWeb જેવી કંપનીઓ ભારતીય બજારમાં પ્રવેશવા માટે સરકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન ભારતી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સેટેલાઇટ ઇન્ટરનેટને લઈને જણાવ્યું છે કે ભારતમાં કાર્યરત સેટેલાઇટ નેટવર્કનું નિયંત્રણ દેશના હાથમાં જ હોવું જોઈએ. એટલું જ નહીં, જરૂર પડે તો સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો અધિકાર પણ ભારત પાસે હોવો જોઈએ.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન મિત્તલે જણાવ્યું હતું કે સેટેલાઇટનું 'કિલ સ્વિચ' કોઈ અન્ય કંપની કે બીજા દેશના હાથમાં હોવું જોઈએ નહીં. ભારત પોતાના અંતરિક્ષ અને સંચાર સંબંધિત નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે તે જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે દેશે પોતાની મહત્ત્વપૂર્ણ સંચાર સેવાઓ માટે કોઈ એક વિદેશી કંપની કે દેશ પર નિર્ભર રહેવું જોઈએ નહીં.
શું છે સેટેલાઇટનું 'કિલ સ્વિચ'?
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે સેટેલાઇટનું કિલ સ્વિચ શું છે? કિલ સ્વિચ એક એવી વ્યવસ્થા છે, જેના દ્વારા સેટેલાઇટ નેટવર્કની સેવા બંધ કરી શકાય છે અથવા તેના પર નિયંત્રણ રાખી શકાય છે. આ સિસ્ટમની મદદથી જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ ચોક્કસ વિસ્તાર અથવા કોઈ એક ડિવાઇસનું ઇન્ટરનેટ કનેક્શન પણ બંધ કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ આ સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મિત્તલના જણાવ્યા અનુસાર, આજના ડિજિટલ યુગમાં યુદ્ધ કરવાની પદ્ધતિ પણ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. ડ્રોન, સાયબર ઓપરેશન અને ગાઇડેડ મિસાઇલ જેવા આધુનિક હથિયારોના સંચાલનમાં પણ સેટેલાઇટ ટેક્નોલોજી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ભારતે એ સુનિશ્ચિત કરવું પડશે કે દેશમાં આવતો સંચાર ડેટા ભારતીય સિસ્ટમ મારફતે જ પસાર થાય અને તેના પર દેશનું નિયંત્રણ તથા દેખરેખ રહે.
Starlink અને OneWeb વચ્ચે સ્પર્ધા
તમને જણાવી દઈએ કે, ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ કંપનીઓને લાઇસન્સ મળી ચૂક્યાં છે. તેમાં ભારતી ગ્રૂપની OneWeb, રિલાયન્સની Jio Satellite Communications અને એલન મસ્કની Starlinkનો સમાવેશ થાય છે.
જોકે, લાઇસન્સ મળી જવાનો અર્થ એ નથી કે કંપનીઓ તરત જ ભારતમાં પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી શકે છે. સેવા શરૂ કરતાં પહેલાં સ્પેક્ટ્રમની ફાળવણી અને સુરક્ષા સંબંધિત મંજૂરીઓ મેળવવી પણ જરૂરી છે.
મિત્તલના જણાવ્યા અનુસાર, OneWebનું ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર છે અને તેના સેટેલાઇટ પણ લાંબા સમયથી ભારતની ઉપરની ભ્રમણકક્ષામાં હાજર છે. કંપની હવે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે OneWebને ટૂંક સમયમાં વ્યાવસાયિક સેવા શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.
મોબાઇલ અને ફાઇબર ઇન્ટરનેટનું સ્થાન નહીં લે સેટેલાઇટ સેવા
આ દરમિયાન સુનીલ ભારતી મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, સેટેલાઇટ ઇન્ટરનેટ મોબાઇલ નેટવર્ક અને ફાઇબર બ્રોડબેન્ડનું સ્થાન લેવાનું નથી. તેમના મતે, આ ત્રણેય ટેક્નોલોજી એકબીજાને પૂરક બનશે અને સાથે મળીને કામ કરશે.
ખાસ કરીને પહાડી વિસ્તારો, જંગલો, અંતરિયાળ ગામડાં, દરિયાઈ વિસ્તારો અને હવાઈ મુસાફરી દરમિયાન સેટેલાઇટ ઇન્ટરનેટ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. જ્યાં સામાન્ય મોબાઇલ નેટવર્ક કે ફાઇબર ઇન્ટરનેટ પહોંચાડવું મુશ્કેલ હોય ત્યાં આ ટેક્નોલોજી ઉપયોગી બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેટેલાઇટને દર પાંચથી છ વર્ષે બદલવાની જરૂર પડે છે, જેના માટે મોટો ખર્ચ પણ કરવો પડે છે. તેથી જ્યાં ફાઇબર અને મોબાઇલ નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં તેનો ઉપયોગ ચાલુ રહેશે. સેટેલાઇટ ઇન્ટરનેટનો વાસ્તવિક ફાયદો એવા વિસ્તારોમાં મળશે જ્યાં પરંપરાગત નેટવર્ક પહોંચાડવું મુશ્કેલ છે.









