VIDEO: Tech/ મૃત્યુ બાદ પણ પુત્ર માતા સાથે કરે છે વાત! ટેક્નોલોજીએ લોકોને ચોંકાવી દીધા
ચીનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો એક એવો ઉપયોગ સામે આવ્યો છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. ગયા વર્ષે ચીનમાં એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેના પરિવારે તેની વૃદ્ધ માતાને દિલાસો આપવા માટે મૃતકનું એક ડિજિટલ સ્વરૂપ બનાવવાનો નિર્ણય લીધો. આ માટે પરિવારે AI ટેકનોલોજી ટીમનો સંપર્ક કર્યો હતો. AIની મદદથી બનાવવામાં આવેલ આ ડિજિટલ અવતાર ઘણો ખરો મૃતક જેવો જ દેખાય છે અને તેની માતા સાથે દરરોજ વીડિયો કોલ પર વાત કરે છે.
મૃતકનો બનાવ્યો ડિજિટલ અવતાર
માર્ગ અકસ્માતમાં પોતાના એકમાત્ર પુત્રને ગુમાવ્યા બાદ, AI દ્વારા વૃદ્ધ માતાને ફરી એકવાર તેના પુત્ર સાથે વાત કરવાની તક મળી. માતાને પુત્રના મોતના આઘાતથી બચાવવા માટે આ ડિજિટલ અવતાર તૈયાર કરવામાં આવ્યો હતો. 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ મુજબ, શેડોંગ પ્રાંતમાં રહેતા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. તેની માતા 80 વર્ષથી વધુ વયના છે અને તેમને હૃદયની બીમારી પણ છે, તેથી પરિવારે તેમનાથી આ સમાચાર છુપાવવા માટે AIની મદદ લીધી.
વીડિયો અને ફોટો દ્વારા તૈયાર થયું ડિજિટલ રૂપ
રિપોર્ટ અનુસાર, મૃતક વ્યક્તિના પુત્રએ જિઆંગસુ પ્રાંતમાં રહેતા AI નિષ્ણાત ઝાંગ જેવેઈનો સંપર્ક કર્યો હતો. તેમણે નિષ્ણાતને મૃતકના ઘણા ફોટા, વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ આપ્યા હતા. જેમાં તેની સ્થાનિક ભાષામાં વાતચીતના નમૂનાઓ પણ સામેલ હતા. આ તમામ ડેટાના આધારે ઝાંગે મૃતકનો હૂબહૂ ડિજિટલ અવતાર તૈયાર કર્યો.
બેઠું અનુકરણ કરે છે AI
AIથી બનેલું આ ડિજિટલ રૂપ મૃતક સાથે ઘણું મળતું આવે છે. આ અવતાર માત્ર દેખાવમાં જ નહીં, પણ હાવભાવમાં પણ મૃતકની નકલ કરે છે. જેમ કે, મૃતકની આદત વાત કરતી વખતે આગળ નમવાની હતી, આ અવતાર પણ બિલકુલ તેમ જ કરે છે. આ વર્ચ્યુઅલ રૂપ એક ચેટ એપ દ્વારા દરરોજ વીડિયો કોલ કરીને વૃદ્ધ માતા સાથે વાતચીત કરે છે.
AI ના ફાયદા
આ ઘટના સાબિત કરે છે કે હવે AIનો ઉપયોગ માત્ર ફોટા બનાવવા કે ચેટ કરવા પૂરતો મર્યાદિત નથી. સમયની સાથે તેના ફાયદા વધી રહ્યા છે અને તે જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી રહ્યું છે. જોકે, AIનો આ પ્રકારનો ઉપયોગ લોકોની લાગણીઓ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક, તે કહેવું હાલ મુશ્કેલ છે.

