SBI ગ્રાહકો ધ્યાન આપો! 19 નવેમ્બરે 45 મિનિટ નહીં કરી શકો UPI પેમેન્ટ, જાણો સમય

દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેન્કની UPI સેવા 19 નવેમ્બરના રોજ આશરે 45 મિનિટ માટે બંધ રહેવાની છે. આ અંગેની માહિતી ખુદ બેન્ક દ્વારા આપવામાં આવી છે. બેન્કે જણાવ્યું છે કે મેન્ટેનન્સના કામને કારણે 19 નવેમ્બરના રોજ SBI મારફતે થતી UPI સેવાઓ થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં.
મેન્ટેનન્સના કારણે બપોરે 45 મિનિટ સેવા ખોરવાશે
19 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની UPI સેવાઓ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બેન્કની સેવાઓનું મેન્ટેનન્સ કરવામાં આવશે. આ અંગે બેન્કે સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકોને જાણકારી આપી છે.
SBIએ સત્તાવાર X એકાઉન્ટ પર આપી માહિતી
બેન્કે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'નિયત મેન્ટેનન્સ કામગીરીને કારણે 19.11.2026ના રોજ 01:15 વાગ્યાથી 02:00 વાગ્યા (IST) સુધી SBIની UPI સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ શકે છે. ગ્રાહકો કોઈપણ અવરોધ વિના સેવાઓનો લાભ લઈ શકે તે માટે UPI Liteનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ગ્રાહકોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.'
UPI Lite દ્વારા પેમેન્ટની સુવિધા ચાલુ રહેશે
બેન્કની આ જાહેરાત મુજબ, નિર્ધારિત સમય દરમિયાન સામાન્ય UPI એપ્સ મારફતે પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડશે. જોકે, ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. UPI Liteને નાના વ્યવહારો માટેની પેમેન્ટ સુવિધા તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા યુઝર્સ પોતાના બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરીને સપોર્ટ કરતા પેમેન્ટ એપના વોલેટમાં જમા કરાવી શકે છે. વોલેટમાં બેલેન્સ જમા થયા બાદ દરેક ખરીદી વખતે UPI PIN દાખલ કર્યા વિના પણ પેમેન્ટ કરી શકાય છે.
UPI Liteમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 1,000
તમને જણાવી દઈએ કે, RBIના નિયમો મુજબ UPI Liteમાં દરેક ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા રૂ. 1,000 છે. જ્યારે વોલેટમાં એક સમયે વધુમાં વધુ રૂ. 5,000 રાખી શકાય છે. RBIએ ડિસેમ્બર 2024માં આ મર્યાદામાં વધારો કર્યો હતો. અગાઉ દરેક ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 500 અને વોલેટની મર્યાદા રૂ. 2,000 હતી. જો કે, SBIની UPI સેવા માત્ર 45 મિનિટ માટે જ ખોરવાશે. ત્યારબાદ ગ્રાહકો ફરીથી કોઈપણ UPI એપ મારફતે સરળતાથી પેમેન્ટ કરી શકશે.










