માઇક્રોસોફ્ટે 'ઇગ્નાઇટ 2026' ઇવેન્ટમાં 7 નવા AI મોડેલ રજૂ કર્યા, એન્ટરપ્રાઇઝ AI બજારમાં મળશે સસ્તા વિકલ્પો

માઇક્રોસોફ્ટે 'ઇગ્નાઇટ 2026' ઇવેન્ટમાં 7 નવા AI મોડેલ રજૂ કર્યા, એન્ટરપ્રાઇઝ AI બજારમાં મળશે સસ્તા વિકલ્પો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

માઇક્રોસોફ્ટે પોતાની વાર્ષિક ટેક ઇવેન્ટ 'ઇગ્નાઇટ' (Ignite)માં 7 નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ લોન્ચ કર્યા છે. કંપનીના આ નવા મોડેલ્સ કોડિંગ, સાયબર સિક્યોરિટી, ઇમેજ જનરેશન, વોઇસ, ટ્રાન્સક્રિપ્શન અને AI ટાસ્કને યોગ્ય મોડેલ સુધી પહોંચાડવા જેવા કાર્યો કરશે. માઇક્રોસોફ્ટનો દાવો છે કે આ મોડેલ્સ GPT અને Claude જેવા હરીફોની સરખામણીમાં ઓછી કિંમતે વધુ સારા અથવા લગભગ સમાન પરિણામો આપી શકે છે.

કોડિંગ માટે MAI Code 2 અને Flash

કોડિંગ માટે કંપનીએ MAI Code 2 અને MAI Code 2 Flash રજૂ કર્યા છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, MAI Code 2 અલગ-અલગ કોડિંગ ટેસ્ટમાં GPT-6.1 Solની સરખામણીમાં 98%ની આસપાસ ક્વોલિટી આપે છે, જ્યારે તેની કિંમત GPT મોડેલ કરતાં લગભગ 60% ઓછી છે. ઉપરાંત, Claude Opus 5.5ની સરખામણીમાં તેની કિંમત આશરે 95% ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે.

જાહેરાત

બીજી તરફ, MAI Code 2 Flashને સામાન્ય કોડ એડિટ કરવા અને નાની-મોટી ભૂલો સુધારવા જેવા કાર્યો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ બંને મોડેલ GitHub Copilotમાં ઉપલબ્ધ છે. Flashને Microsoft Foundry પર મર્યાદિત પ્રિવ્યૂમાં પણ રજૂ કરવામાં આવ્યું છે.

સાયબર સિક્યોરિટી અને ઇમેજ એડિટિંગ માટે નવા મોડેલ

સાયબર સિક્યોરિટી માટે MAI Cyber 2 Flash લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 10 લાખ (1 Million) ટોકનની કોન્ટેક્સ્ટ વિન્ડો છે, એટલે કે તે એક જ સમયે મોટા પ્રમાણમાં માહિતીને સમજી શકે છે. માઇક્રોસોફ્ટના મતે, તે કેટલાક સિક્યોરિટી સેફ્ટી ટેસ્ટમાં GPT-6 Astra કરતાં વધુ સારો સ્કોર કરે છે અને તેનો ખર્ચ પણ ઘણો ઓછો છે. તેનો ઉપયોગ કંપનીના સિક્યોરિટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવશે.

ઇમેજ એડિટિંગ માટે MAI Image 2.7 અને MAI Image 2.7 Flash આવ્યા છે. કંપનીનો દાવો છે કે Image 2.7 ઇમેજ એડિટિંગના એક મુખ્ય બેન્ચમાર્કમાં પ્રથમ સ્થાને છે. તેનું Flash વર્ઝન 1,000 ઇમેજ તૈયાર કરવા માટે લગભગ 10 ડોલરના ખર્ચે કામ કરી શકે છે, જ્યારે ફૂલ મોડેલનો ખર્ચ આશરે 35 ડોલર છે.

વોઇસ, ટ્રાન્સક્રિપ્શન અને મોડેલ રૂટિંગનો પણ સમાવેશ

માઇક્રોસોફ્ટે MAI Realtime 1 રજૂ કર્યું છે, જે લાઇવ સ્પીચ-ટુ-સ્પીચ મોડેલ છે. તેને અવાજ દ્વારા વાતચીત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત Dragon Copilot Transcribe, MAI Transcribe 2 પર આધારિત છે અને કંપનીના જણાવ્યા મુજબ, દર મહિને 1 કરોડ દર્દીઓ સાથે જોડાયેલી વાતચીતને ટ્રાન્સક્રાઇબ કરે છે.

સાતમું મોડેલ Microsoft-Decision-1.1 છે. તેનું કામ યુઝરની રિક્વેસ્ટ મુજબ યોગ્ય AI મોડેલ પસંદ કરવાનું છે. જરૂર જણાય ત્યારે જ તે મોટા મોડેલને કામ સોંપે છે, જેનાથી ખર્ચ ઓછો રાખવામાં મદદ મળી શકે છે.

કંપનીઓ પોતાના ડેટાથી મોડેલને કસ્ટમ બનાવી શકશે

માઇક્રોસોફ્ટે MAI Licensed Weights પણ રજૂ કર્યું છે. આના દ્વારા કંપનીઓ પોતાના ડેટાના આધારે MAI મોડેલને કસ્ટમાઇઝ કરી શકશે અને તેને પોતાના એઝ્યોર (Azure) એન્વાયર્નમેન્ટમાં ચલાવી શકશે. કંપનીનું Maia 200 AI એક્સિલરેટર પણ હવે પ્રોડક્શનમાં છે અને તેના સૌથી મોટા AI મોડેલ્સને ચલાવી રહ્યું છે. આ લોન્ચિંગ દ્વારા માઇક્રોસોફ્ટ એન્ટરપ્રાઇઝ AI બજારમાં ઓછા ખર્ચવાળા વિકલ્પો રજૂ કરવા માંગે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત