બિઝનેસ જગતમાં મોટો ભૂકંપ: વિડિયોકોનના વેણુગોપાલ ધૂત નાદાર જાહેર, SBIનું ₹12,668 કરોડનું તોતિંગ લેણું!

બિઝનેસ જગતમાં મોટો ભૂકંપ: વિડિયોકોનના વેણુગોપાલ ધૂત નાદાર જાહેર, SBIનું ₹12,668 કરોડનું તોતિંગ લેણું!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સ્વીકારીને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમોટર અને ડિરેક્ટર વેણુગોપાલ નંદલાલ ધૂતને નાદાર  જાહેર કર્યા છે. વેણુગોપાલ ધૂત પર એસબીઆઈ અને તેની ભૂતપૂર્વ સહયોગી બેંકોનું વ્યાજ અને દંડ સહિત કુલ ₹12,668 કરોડથી વધુનું જંગી દેવું બાકી છે.

NCLTની બે સભ્યોની ખંડપીઠે આદેશ આપતાં વેણુગોપાલ ધૂત સામે ઇન્સોલ્વન્સી (દેવાળિયા) પ્રક્રિયા શરૂ કરવા માટે એક ઇન્સોલ્વન્સી ટ્રસ્ટીની નિમણૂક કરી છે. આ ટ્રસ્ટી તમામ લેણદારો પાસેથી દાવા મંગાવવા માટે જાહેર નોટિસ બહાર પાડશે અને ત્યારબાદ ધૂતની મિલકતોનું મૂલ્યાંકન કરી લેણદારો વચ્ચે વહેંચણી કરવામાં આવશે.

જાહેરાત

7 દિવસમાં નાણાકીય વિગતો આપવાનો આદેશ

ટ્રિબ્યુનલે વેણુગોપાલ ધૂતને આદેશ કર્યો છે કે તેઓ આ પ્રક્રિયા શરૂ થયાના 7 દિવસની અંદર નિર્ધારિત ફોર્મેટમાં પોતાની સમગ્ર સંપત્તિ અને નાણાકીય સ્થિતિનો વિગતવાર રિપોર્ટ ટ્રસ્ટી સમક્ષ રજૂ કરે. ઇન્સોલ્વન્સી ટ્રસ્ટી 90 દિવસની અંદર ટ્રિબ્યુનલ અને કમિટી ઓફ ક્રેડિટર્સને પ્રારંભિક રિપોર્ટ સોંપશે, અને ત્યારબાદ દર ત્રિમાસિક ગાળે પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો રહેશે.

શું છે સમગ્ર મામલો?

વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (VIL) અને વિડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ તેની ભૂતપૂર્વ સહયોગી બેંકો—જેવી કે સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલા—પાસેથી મોટી લોન સુવિધાઓ લેવામાં આવી હતી. આ લોન માટે વેણુગોપાલ ધૂતે અંગત ગેરંટી આપી હતી. જોકે, કંપનીઓ સમયસર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હતી. SBIની અરજી મુજબ, 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યાજ અને દંડ સાથે કુલ બાકી રકમ ₹12,668.06 કરોડ થઈ ગઈ હતી.

NCLTએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ધૂતને ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ લોનમાંથી મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી તેમના વિરુદ્ધ આ કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત