VIDEO: Tech News / PhonePe પર એકાઉન્ટ હોય તો ધ્યાન આપો, નહીં તો ચૂકવવા પડી શકે છે ₹100
જો તમારું પણ PhonePe પર એકાઉન્ટ છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે, તમારે ટૂંક સમયમાં મેઇન્ટેનન્સ ફી ચૂકવવી પડી શકે છે. કંપની આ ફી દરેક વ્યક્તિ પાસેથી નહીં લે, આ ફી માત્ર એવા લોકો પાસેથી જ લેવામાં આવશે જેમણે લાંબા સમયથી વોલેટનો ઉપયોગ કર્યો નથી. કંપનીએ તાજેતરમાં જ વોલેટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, જો કોઈ પણ યુઝર જેનું એકાઉન્ટ PhonePe પર છે, તે 365 દિવસ સુધી વોલેટનો ઉપયોગ નથી કરતો, તો ૧૦૦ રૂપિયાની ઇનએક્ટિવિટી મેઇન્ટેનન્સ ફી (નિષ્ક્રિયતા જાળવણી શુલ્ક) લેવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો એક વર્ષ સુધી વોલેટમાંથી કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (નાણાકીય લેવડદેવડ) નહીં થાય, તો તે વોલેટને ‘ઇનએક્ટિવ’ (નિષ્ક્રિય) માનવામાં આવશે.
નિયમોમાં થયેલા આ ફેરફાર વિશે ખબર પડતાં જ યુઝર્સે ઓનલાઇન તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. X પર ટિપ્સ્ટર અભિષેક યાદવે જણાવ્યું કે ઘણા યુઝર્સ PhonePe વોલેટનો એક્ટિવ રીતે ઉપયોગ નથી કરતા, પરંતુ પોતાના બેંક એકાઉન્ટમાંથી સીધા UPI દ્વારા પેમેન્ટ કરે છે.
100 રૂપિયાનો આ ચાર્જ માત્ર એવા યુઝર્સ પર જ લાગુ થશે જેમણે એક વર્ષથી વોલેટ દ્વારા કોઈ લેવડદેવડ નથી કરી. માત્ર PhonePe એપ ખોલવી કે UPI પેમેન્ટ કરવું એ વોલેટ એક્ટિવિટી તરીકે ગણવામાં આવશે નહીં. યુઝર્સે પોતાના એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવા અને ચાર્જથી બચવા માટે વોલેટ ટ્રાન્ઝેક્શન પૂરું કરવું પડશે.
PhonePe યુઝર્સને ચાર્જ કાપતા પહેલા ૧૫ દિવસની નોટિસ આપશે. જો વોલેટમાં પૂરતું બેલેન્સ હશે તો કંપની સીધો ચાર્જ કાપી શકે છે, જો બેલેન્સ 100 રૂપિયા કરતાં ઓછું હશે તો ફોનપે ઉપલબ્ધ રકમ લઈ લેશે અને વોલેટ બેલેન્સ માઈનસમાં જવાના બદલે ઝીરો થઈ જશે.
એક અહેવાલ મુજબ, PhonePe ફી લગાવનારી પહેલી કંપની નથી, ડિજિટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઇનએક્ટિવિટી ફી કોઈ નવી વાત નથી. MobiKwik એ ૨૦૨૧ માં કંઈક આવું જ કર્યું હતું.

