Auto: GSTમાં ઘટાડાથી પેસેન્જર તથા ટુ વ્હીલર્સ વાહનોની સૌથી વધુ ખરીદી

વર્તમાન વર્ષની નવરાત્રીથી લઈને દિવાળીની 42 દિવસની તહેવારોની મોસમ દરમિયાન દેશમાં ઓટો રિટેલ વેચાણ આંક 52 લાખથી વધુ સાથે વિક્રમી સપાટીએ જોવા મળ્યો છે. ગયા વર્ષની નવરાત્રીથી દિવાળી સુધી મોસમની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં રિટેલ વેચાણમાં 21% વધારો જોવા મળ્યો છે. પેસેન્જર વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના સુત્રોએ જણાવ્યું હતું કે, આગામી લગ્નસરાની મોસમમાં પણ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
GSTમાં ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો
વર્તમાન વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST)માં જોરદાર ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ગ્રાહકોમાં તહેવારો દરમિયાન ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. ઓટો રિટેલ વેચાણ આંક વિષે FADAએ નિવેદનમાં જણાવ્યું હતું કે, જે આંક ગયા વર્ષના નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોમાં 43,25,632 રહ્યો હતો તે વર્તમાન વર્ષમાં વધી 21% અને 52,38,401 રહ્યો છે. પેસેન્જર વાહનોનું વેચાણ 6,21,539 એકમથી 23% વધી 7,66,918 રહ્યું હતું જ્યારે ટુ વ્હીલર્સનું વેચાણ 33,27,198 એકમથી 22% વધી 40,52,503 વાહન જોવા મળ્યું હતું. GSTમાં ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ખરીદીમાં વધારો થયો હતો. કેટલાક શહેરોમાં તો ડીલરો પાસે માલના પૂરવઠા કરતા માંગ વધારે જોવા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
ઓકટોબરમાં વેચાણ આંક અત્યાર સુધીમાં સૌથી વિક્રમી
ટુ વ્હીલર્સના વેચાણમાં વધારા માટે સારી લિક્વિડિટી તથા GSTમાં કપાતથી એફોર્ડિબિલિટી કારણભૂત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ટુ વ્હીલર્સની ઊંચી માંગ રહી હતી. તાજેતરના વર્ષોમાં વર્તમાન વર્ષની તહેવારોની મોસમ શ્રેષ્ઠ રહ્યાનો ડીલરો જણાવી રહ્યા છે. થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોના વેચાણમાં પણ અનુક્રમે 9% અને 15% વધારો થયો હતો. ઓકટોબર મહિનામાં ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે 41% વધારો થઈને એકંદર વેચાણ 40,23,923 એકમ રહ્યું છે. ઓકટોબરમાં ટુ વ્હીલર્સ તથા પેસેન્જર વાહનોનો વેચાણ આંક અત્યાર સુધીનો સૌથી વિક્રમી વેચાણ આંક રહ્યો છે.
GSTમાં રાહતને પરિણામે આગામી 3 મહિના માટે ઓટો રિટેલનું આઉટલુક નિર્ણયાત્મક રીતે પોઝિટિવ જણાઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. ડીલરો અપેક્ષા રાખી રહ્યા છે કે, તહેવારોની મોસમ બાદ લગ્નસરાની મોસમમાં પણ માંગ ઊંચી રહેશે.

