બાળકોની સુરક્ષાને લઈને Appleની મોટી કાર્યવાહી, App Store પરથી હટાવી MiniMaxની લોકપ્રિય AI ચેટબોટ એપ Talkie

બાળકોની સુરક્ષાને લઈને Appleની મોટી કાર્યવાહી, App Store પરથી હટાવી MiniMaxની લોકપ્રિય AI ચેટબોટ એપ Talkie
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મીડિયા રિપોર્ટ્સમાં AI દ્વારા બનાવવામાં આવેલા પાત્રો સગીરોને જાતીય સંકેતો ધરાવતા મેસેજ મોકલતા હોવાના આરોપો સામે આવ્યા બાદ Appleએ આ અઠવાડિયે MiniMaxની લોકપ્રિય ચેટબોટ એપ Talkieને વિશ્વભરના પોતાના App Store પરથી હટાવી દીધી છે.

વર્ષ 2023માં લોન્ચ થયેલી Talkie એપ યુઝર્સને ચેટ કરવા માટે વિવિધ પ્રકારના વર્ચ્યુઅલ સાથીઓ પૂરા પાડે છે. આ એપમાં ઘણીવાર રોમેન્ટિક વાતચીત પણ જોવા મળે છે. શાંઘાઈ સ્થિત MiniMax કંપનીએ આ એપનું ચીનમાં Xingye નામનું વર્ઝન પણ લોન્ચ કર્યું છે.

જાહેરાત

બુધવારે પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે એપના AI પાત્રોએ બાળકો સાથે જાતીય રીતે અયોગ્ય અને અપમાનજનક મેસેજ મોકલ્યા હતા.

Apple App Store અને Google Play Store બંને પર આ એપને 18+ રેટિંગ આપવામાં આવ્યું છે. દેશ પ્રમાણે એપમાં 14 વર્ષથી ઓછી અથવા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સાઇન અપ કરવાની મંજૂરી ન હોવાનો ઉલ્લેખ છે. જોકે, બાળ સુરક્ષા માટે કામ કરતા નિષ્ણાતોએ તેની નબળી વેરિફિકેશન વ્યવસ્થાની ટીકા કરી છે. કારણ કે તેમાં યુઝર્સ પોતાની ઉંમર જાતે જ જણાવી શકે છે.

MiniMax અને Appleએ આ મામલે ટિપ્પણી કરવા માટે કરવામાં આવેલી વિનંતીઓનો તાત્કાલિક નહતો જવાબ આપ્યો.

રિસર્ચ ફર્મ Sensor Towerના જણાવ્યા અનુસાર, Talkie અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને અમેરિકા, ફિલિપાઇન્સ અને મેક્સિકોમાં ખૂબ લોકપ્રિય છે.

ChatGPT અથવા Gemini જેવા મોટા લેંગ્વેજ મોડલ પર આધારિત સામાન્ય AI આસિસ્ટન્ટથી અલગ, AI કમ્પેનિયન એપ્સ યુઝર્સ સાથે લાંબા સમય સુધી ભાવનાત્મક જોડાણ અને માણસો જેવી વાતચીત કરવા માટે બનાવવામાં આવે છે. તેમાંની કેટલીક એપ્સમાં રસપ્રદ અને વાસ્તવિક લાગતી વાર્તાઓ પણ હોય છે.

Talkie અને Xingye MiniMax માટે આવકના મોટા સ્ત્રોત રહ્યા છે. વર્ષ 2024માં કંપનીની કુલ આવકમાં આ બંને એપ્સનો ફાળો 60 ટકાથી વધુ હતો. જોકે, આ વર્ષે કંપનીએ ચેટબોટ સંબંધિત આવકનો અલગથી હિસાબ આપવાનું બંધ કરી દીધું છે.

ચીનની રિસર્ચ ફર્મ Uniqueના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2026 સુધીમાં Talkieના એપ અને વેબસાઈટ પર અંદાજે 1.1 કરોડ માસિક એક્ટિવ યુઝર્સ હતા.

જાન્યુઆરીમાં હોંગકોંગમાં IPO આવ્યા બાદ MiniMaxએ પોતાનું ધ્યાન એન્ટરપ્રાઇઝ કોડિંગ અને MiniMax M1 તથા Hailuo-02 જેવા મલ્ટીમોડલ AI મોડલ્સ પર કેન્દ્રિત કર્યું છે.

AI ચેટબોટ્સ પર વધી રહી છે તપાસ

AI ચેટબોટ્સની કામગીરી અને ખાસ કરીને સગીરો સાથેની તેમની વાતચીતથી ઊભા થતા સંભવિત જોખમોને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે.

આ વર્ષે એલોન મસ્કના Grok AI ચેટબોટની પણ વિવિધ સરકારો દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ ચેટબોટનો ઉપયોગ મહિલાઓ અને બાળકોની જાતીય સંકેતો ધરાવતી તસવીરો બનાવવા માટે કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઉપરાંત, AI કમ્પેનિયન બનાવતી કંપની Character.AI સામે પણ સગીરો સાથે તેના ચેટબોટ્સની અયોગ્ય વાતચીતને લઈને અમેરિકામાં અનેક કાનૂની કેસ ચાલી રહ્યા છે.

જુલાઈ મહિનામાં ચીને Xingye સહિતની સ્થાનિક AI કમ્પેનિયન એપ્સ સામે કડક કાર્યવાહી કરી હતી. સગીરો માટે AI સાથેના ઘનિષ્ઠ સંબંધો પર પ્રતિબંધ મૂકવાની સાથે પ્લેટફોર્મ્સને ભાવનાત્મક નિર્ભરતા અને લત લાગવાના જોખમોને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા વિકસાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નવા નિયમોના જવાબમાં ByteDance અને Alibaba જેવી કંપનીઓએ પણ પોતાની એપ્સમાં માનવ જેવા દેખાતા ઇન્ટરેક્ટિવ એજન્ટ્સ અને કસ્ટમાઇઝ્ડ એજન્ટ ફીચર્સ બંધ કરી દીધા હતા.

જોકે, સરકાર અને કંપનીઓની આ કાર્યવાહી બાદ ચીનના યુઝર્સમાં વ્યાપક નારાજગી જોવા મળી છે. ખાસ કરીને એવા યુઝર્સે વિરોધ નોંધાવ્યો છે, જેઓ વર્ચ્યુઅલ પાત્રો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત